રૂપાલા ફરી મુશ્કેલીમાં! આચારસંહિતા ભંગને પગલે રાજકોટમાં સમર્થનમાં લાગેલા પોસ્ટર હટાવાયાં
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરીને ચારેકોર ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે આ વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલા ફરી મુશ્કેલીમાં મૂકાયા છે. રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં લગાવાયેલા પોસ્ટર હટાવી લેવામાં આવ્યા છે. આ મામલો આચારસંહિતા ભંગનો બની ગયો છે. જેના લીધે પોસ્ટરો હટાવવાની ફરજ પડી હતી.
રાજકોટ તંત્રએ કરી કાર્યવાહી
માહિતી અનુસાર રાજકોટમાં અત્યારે પોસ્ટર વૉર શરૂ થઈ ગયું હતું. ક્ષત્રિય સમાજ અંગે રૂપાલાની ટિપ્પણીને પગલે ક્યાંક વિરોધ તો ક્યાંક તેમના સમર્થનમાં પોસ્ટર લગાવાયા હતા. આ વચ્ચે આચારસંહિતા ભંગનો આરોપ લાગતાં તંત્રએ તાત્કાલિક ધોરણે રૂપાલાના સમર્થનમાં લગાવેલા પોસ્ટરો હટાવવાની ફરજ પડી હતી. સ્પીડવેલ પાર્ટી પ્લોટ તથા અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આ પોસ્ટરો વધુ જોવા મળ્યા હતા. મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા તંત્રના નિર્દેશને પગલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ રૂપાલાએ રાજકોટમાં લોક સંપર્ક અભિયાન ચલાવ્યું હતું. તેઓએ જુદા જુદા વોર્ડમાંં જઈને મતદારોની મુલાકાત લેવાની શરૂઆત કરી હતી.