'બહુ વિનંતી કરી, હવે ક્ષત્રિયોની ખુમારી બતાવીશું..' રૂપાલા વિવાદમાં નયનાબા જાડેજાનું મોટું નિવેદન
Lok Sabha Elections 2024 | પરશોત્તમ રૂપાલા અંગેનો વિવાદ હવે ભાજપ માટે ગળાની ફાંસ બનતો દેખાઈ રહ્યો છે. ભાજપે આ મામલે પીછેહઠ કરવાની ના પાડી દેતાં રૂપાલાને રાજકોટથી જ ચૂંટણી લડાવાનું મન બનાવી લીધું છે ત્યારે ક્ષત્રિય સમાજ પણ પીછેહઠ કરવા તૈયાર નથી. આ દરમિયાન જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાએ આ મામલે મોટું નિવેદન આપતાં ભાજપનું ટેન્શન વધારી દીધું છે.
નયનાબા જાડેજાના ભાજપ પર પ્રહાર
જામનગર ખાતે ક્ષત્રિય સમાજ વતી રૂપાલા વિરુદ્ધ આવેદન સોંપતી વખતે નયનાબા જાડેજાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જ્યાં તેમણે રૂપાલા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ઘણાં સમયથી બધા જુએ છે કે ક્ષત્રિય સમાજના લોકો જુદા જુદા જિલ્લા અને તાલુકાઓમાં વિરોધ કરી રહ્યા છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યા છે પરંતુ ભાજપ દ્વારા અમારી માગ પર કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. ગામડાઓમાં પણ હવે તો ભાજપનો વિરોધ થઈ રહ્યો છે.
રૂપાલા અંગે શું બોલ્યાં...
રૂપાલા અંગે બોલતાં તેમણે કહ્યું કે અમે ભાજપને એક જ વિનંતી કરી કે તેઓ રૂપાલાની રાજકોટથી ટિકિટ રદ કરે પરંતુ લાગે છે કે ભાજપ અમારી વાતને સમજવા તૈયાર નથી. ભાજપને અમારી વિનંતીથી કોઈ ફેર પડતો નથી. એટલે બહુ વિનંતીઓ કરી લીધી. હવે ક્ષત્રિયોની ખુમારી બતાવવાનો વારો છે. નયનાબાએ કહ્યું કે ક્ષત્રિય સમાજ હંમેશાથી ભાજપનો સમર્થક રહ્યો છે અને તેને હિન્દુત્વ મામલે પણ ઘણો ટેકો કર્યો છે છતાં આજે આ દિવસો જોવા પડી રહ્યા છે. ભાજપ રાજપૂત સમુદાયના ફાળાની કદર કરી રહ્યો નથી.