'રૂપાલા મુદ્દે ભાજપ હાઈકમાન્ડ પીછેહઠ નહીં કરે...' બંધબારણે બેઠકમાં પ્રચાર શરૂ કરવા નિર્દેશ
Lok Sabha Elections 2024 | કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. હોલ આખાય ગુજરાતભરમાં દેખાવ,રેલી યોજી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ તરફ, કેન્દ્રીય કેબિનેટમાં ભાગ લઈને અમદાવાદ પરત ફરેલાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ગાંધીનગરમાં પહોંચ્યા હતાં જ્યાં ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકર સાથે બંધબારણે બેઠક થઈ હતી. સૂત્રના મતે રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવામાં નહી આવે. ભાજપ હાઈકમાન્ડ ક્ષત્રિયો સામે ઝૂકવા તૈયાર નથી. આ જોતાં આ વિવાદ વધુ ઘેરો બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા કેબિનેટની બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતાં. અમદાવાદ પરત ફરતાં રૂપાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુંકે, મેં પ્રચાર બંધ કર્યો જ નથી. હું કેબિનેટની બેઠકમાં ભાગ લેવા દિલ્હી ગયો હતો. હાલ હું આ મુદ્દે કોઈપણ ટિપ્પણી કરવા માંગતો નથી. આ વિવાદમાં આગ હોમવાનું મારો આશય નથી. અમદાવાદ એરપોર્ટથી રૂપાલા સીધા જ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતાં જયાં ભાજપના મહામંત્રી રત્નાકર અને પરષોતમ રૂપાલા વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. લગભગ પોણા કલાક સુધી બંને વચ્ચે ચર્ચા થઇ હતી અને પરિસ્થિતિનો તાગ મેળવાયો હતો.
બુધવારે અમદાવાદમાં ક્ષત્રિય કોર કમિટી અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી જેમાં સમાધાનની ફોર્મ્યુલા ફગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત ક્ષત્રિય આગેવાનોએ એક સૂરમાં કહ્યું કે, કોઈપણ ભોગે રૂપાલાની ટિકિટ રદ કરો. સૂત્રોના મતે, ભાજપ હાઈકમાન્ડ ક્ષત્રિયોની વાત સ્વિકારવા તૈયાર નથી. આ જોતા રાજકોટ બેઠક પર રૂપાલા બદલાય તેવી શક્યતા ઓછી છે. આ ઉપરાંત ક્ષત્રિયોના વિરોધ વંટોળ વચ્ચે હાઈકમાન્ડે હાલ રૂપાલાને પ્રચાર કાર્યમાં લાગી પડવા સૂચના આપી છે. ક્ષત્રિયોના રાજકીય દબાણ સામે હાઈકમાન્ડ પીછેહટ કરવાના મૂડમાં નથી. રૂપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિર્યા રોષે ભરાયા છે ત્યારે તેમને મનાવી લેવા ભાજપે રણનિતી ઘડી કાઢી છે. જે રૂપાલાની ટિકિટ રદ કરાય તો ભાજપને બે સમુદાય વચ્ચે રાજકીય સંઘર્ષ ઉભો થાય તેવો ડર સતાવી રહ્યો છે. સાથે સાથે જજે રૂપાલાને બદલવામાં આવે તો સાબરકાંઠા, અમરેલી, જૂનાગઢ સહિત અન્ય બેઠક પર પણ ઉમેદવાર બદલવાની માગ ઉઠી શકે છે. આ બધાય પાસાને જોતાં ભાજપ બધુય યથાવત રાખવાના મતમાં છે.