'બસ, એક-બે દિવસમાં...' ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાનું મોટું નિવેદન, લોકોને કરી આ અપીલ
Lok Sabha Elections 2024 | રાજકોટમાં આજે મોડી રાત્રે મુળ અમરેલીના લોકોના એક કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના ઉગ્ર વિરોધ વચ્ચે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે હું એક-બે દિવસમાં ફોર્મ (ઉમેદવારીપત્રક) ભરવાની તારીખ જાહેર કરીશ અને ત્યારે તમારે બધાએ પાઘડી બાંધીને આવવાનું છે. આમ, કહીને રૂપાલાએ તેઓ રાજકોટથી જ ચૂંટણી લડશે અને ઉમેદવારી બદલવાની કોઈ વિચારણાપક્ષની નથી તેવો સ્પષ્ટ નિર્દેશ આપી દીધો છે.
બીજી તરફ, શહેરમાં આજે મોડેથી જવાહર રોડ સહિતના સ્થળોએ રાજકોટ છે મક્કમ, રૂપાલા છે અડીખમ એવા રૂપાલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીરો સાથેના વિશાળ પોસ્ટરો લગાવાયા છે.
રૂપાલાએ રાજકોટમાં તેમનું છુ નિવાસસ્થાન બદલીને મવડી વિસ્તારમાં રહેવા ગયાનું પણ બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક દિવસથી ગુજરાતના રાજકારણમાં પરશોત્તમ રૂપાલા ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદથી તેઓ સતત વિવાદમાં છે. ક્ષત્રિય સમાજના લોકો તેમની ઉમેદવારી રદ કરવા માટેની માગણી કરી રહ્યા છે ત્યારે ભાજપ પણ આ મામલે પીછેહઠ કરવા તૈયાર નથી અને તેણે રૂપાલાને પ્રચાર શરૂ કરવાની પરવાનગી પણ આપી દીધી છે.
રૂપાલાની સુરક્ષા પણ હટાવી લેવામાં આવી હોવાની ચર્ચા
આ દરમિયાન તાજેતરના અહેવાલ અનુસાર એવી ચર્ચા છે કે વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ રાજકોટમાં આવેલું પોતાનું મકાન ખાલી કરી દીધું છે અને તેઓ ફ્લેટમાં રહેવા માટે શિફ્ટ થઇ ગયા છે. હવે તેમણે આ પગલું કેમ ભર્યું છે તેને લઈને અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. ઘણાં લોકો એવો દાવો કરી રહ્યા છે કે સુરક્ષાના કારણોસર તેમણે આ પગલું ભર્યું છે. ચર્ચાનો વિષય એ પણ છે કે રૂપાલાના ઘરની સામેથી સુરક્ષા પણ હટાવી લેવામાં આવી છે.