રૂપાલા વિવાદમાં ક્ષત્રિયોના રોષ વચ્ચે શેખાવતની પાઘડી ઉછાળવાનો મુદ્દો હવે રાષ્ટ્રીય સ્તરે ચગ્યો
Lok Sabha Elections 2024 | કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરાઇ હતી. પોલીસ સાથે ઝપાઝપી થતાં શેખાવતની પાઘડી ઉછળી હતી. આ પાઘડી ઉછાળવાનો મુદ્દો હવે રાષ્ટ્રીય સ્તરે ચગ્યો છે કેમકે, ખેડૂત આંદોલનકારી નેતા રાકેશ ટિકેતે ટ્વિટ કર્યું છે કે, આપણે સૌ પાઘડીને સન્માન - ઇજ્જત આપીએ છીએ ત્યારે આ ખુબજ નિંદનીય છે. રૂપાલા ટિપ્પણી વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં હવે આ પાઘડી વિવાદ વકરી શકે છે. અત્યારે તો પોલીસે બળતામાં ઘી હોમ્યુ છે.
ગુજરાતમાં ભાજપ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા છે. રૂપાલાએ ટિપ્પણી કરતાં હજુ તો ક્ષત્રિયો માનવા તૈયાર નથી ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર કરણીસેના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે અટકાયત કરી હતી તે વખતે જીપમાં બેસાડતી વખતે ધક્કામૂક્કી થતા શેખાવતની પાઘડી ઉછળી હતી. આ જોઈને ખુદ શેખાવતે પિત્તો ગુમાવ્યો હતો. એક તબક્કે પોલીસ સાથે બોલાચાલી થવા પામી હતી.
હવે આ ઘટનાને લઈને ફરી એકવાર ક્ષત્રિયો રોષે ભરાયા છે. શેખાવતની પાઘડી ઉછાળવાનો મુદ્દો હવે ગુજરાતમાં જ નહીં, રાષ્ટ્રીય સ્તરે ચગી શકે છે કેમ કે, ત્રણ કૃષિ કાયદા પરત લેવા કેન્દ્ર સરકારને પીછેહટ કરવા મજબૂર થવુ પડયુ હતું તે આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકેતે ટ્વિટ કર્યું કે, દેશમાં વર્તમાન પરિસ્થિતી પર સૌના વિચાર અલગ હોઈ શકે છે પણ સામાજિક સ્તરે કોઈની પાઘડી આ રીતે ઉતારવી કેટલા અંશે યોગ્ય છે. આપણે સૌ પાઘડીને ઈજ્જત આપીએ છીએ. આ ઘટના નિંદનીય છે. જોકે આ વિવાદને લઈને ગુજરાત પોલીસે ખુલાસો કર્યો કે શેખાવતની પાઘડી પડી ગઇ તેની પાછળ પોલીસનો કોઈ બદઈરાદો નહોતો. પણ ઝપાઝપી વખતે અનાયાસે પાઘડી પડી ગઇ છે. આ તરફ કરણી સેનાએ હવે શેખાવતની પાઘડી ઉછાળનારા પોલીસને સસ્પેન્ડ કરવાની માગ કરી છે.