નીતિન પટેલે કર્યા રૂપાલાના વખાણ, કહ્યું- આટલા આંદોલન છતાં મન પર કાબૂ રાખ્યો
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજે ભારે વિરોધ કર્યો હતો. આ દરમિયાન ગુજરાતનાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પરશોત્તમ રૂપાલાના ભરપેટ વખાણ કર્યા છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, 'મોટા મોટા યોગી અને સાધકના તપ પણ કોઈ ડિસ્ટર્બ કરે ત્યારે છૂટી જાય છે. પરંતુ રૂપાલા સાહેબે આટલા આંદોલન છતાં મન પર કાબૂ રાખ્યો. યોગી-સાધકને પણ શીખવાડે તેવી સહનશીલતા રાખી બતાવી.'
નીતિન પટેલે કર્યા રૂપાલાના વખાણ
ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અંગે નીતિન પટેલે કહ્યું કે, 'ભારે વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાજીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે એમણે જે સહનશીલતા રાખી. જે મન ઉપર કાબુ રાખ્યો, આ બધા મોટા મોટા બાબાઓ આપણને એમ કહે છે કે મન ઉપર કાબુ રાખો, વિચારો કાબુમાં રાખો.પરંતુ સમય આવે ત્યારે આવું કરી શકતા નથી. પરંતુ પરશોત્તમ રૂપાલા સાધુ નથી, યોગી નથી, પરંતુ એક યોગીને અને સાધકને પણ શીખવાડે એવી શાંતિ જાળવી રાખી. આ ચૂંટણી દરમિયાન તેમના ઉપર આરોપ થયા, આંદોલન થયા, રેલીઓ નીકળી, બધુ થયું આખી દુનિયાએ જોયું પણ રૂપાલાજી અમરેલીના પાણીને મારે અભિનંદન આપવા છે. આટલા આંદોલન છતાં તેમણે મન પર કાબૂ રાખ્યો એ બદલ હું અભિનંદન આપું છું.'
રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત
ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ભાજપનો ચારેકોરથી વિરોધ થવા લાગ્યો હતો અને હવે ક્ષત્રિયો હજુ પણ મતદાન થઈ જવા છતાં પીછેહઠ કરવા માગતા નથી અને તેઓએ ચેતવણી ઉચ્ચારતાં કહી દીધું છે કે અમે રૂપાલાએ ભાજપના કોઈ હોદ્દે જોવા માગતા નથી.