રૂપાલા બાદ 'કનુ દેસાઈ હાય હાય..'ના સૂત્રોચ્ચાર, મતદાનથી એક દિવસ પહેલા ભાજપ મુશ્કેલીમાં
Lok Sabha Elections 2024 | રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વાણીવિલાસ સામે ક્ષત્રિયો દોઢ માસથી સતત આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઈએ કોળીયો કૂટાય તેવી ટીપ્પણી કરતા કોળી સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને તે પ્રસરતો જાય છે. આજે જસદણમાં મોટી સંખ્યામાં કોળી સમાજ સાથે ક્ષત્રિયો અને અને અનુ.જાતિ સમાજના લોકો પણ જોડાશે અને મામલતદારને સવારે 11 વાગ્યે આવેદનપત્ર અપાશે. અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ ઉપાધ્યક્ષ મુન્ના બાવળિયાએ જણાવ્યું કે કોળી સમાજે નાણામંત્રી સામે ભાજપ કડક પગલા ભરે અને નાણામંત્રીની જાહેર મંચ ઉપર આવીને માફી માગે તેવી માગણી કરી છે જે અન્વયે ભાવનગરમાં કોળી સમાજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કનુ દેસાઈ હાય હાય સૂત્રોચ્ચાર કર્યા હતા જેને વિડિયો પણ વાયરલ થયો હતો. આ દરમિયાન યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ સુરેન્દ્રનગરમાં પણ વિરોધ ઉઠ્યાનું જણાવાયું છે.
ક્ષત્રિયો કોળી સમાજની પડખે
ક્ષત્રિયોની સંકલન સમિતિએ જણાવ્યું કે આજે કોળી સમાજ સાથે ખભે ખભા મિલાવીને ક્ષત્રિય આગેવાનો પણ તેમની રજૂઆતમાં સાથે જોડાશે. વધુમાં ઉમેર્યું કે ક્ષત્રિય સમાજની અસિમિતા, સ્વાભિમાન માટેની આ લડતમાં અનેકવિધ સમાજોનો તેમને સાથ મળી રહ્યો છે અને જે સમાજે સાથ આપ્યો છે તેમને ભવિષ્યમાં અમે તન, મન, ધનથી તેમના પડખે ઉભા રહેવાના છીએ. અને 7મીએ મંગળવારે દ્રઢ સંકલ્પ સાથે ભાજપ વિરુધ્ધ મતદાન કરાવવા માટે પૂરી તૈયારીઓ કરી લેવાઈ છે.
કનુ દેસાઈએ માગી છે માફી
રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ તાજેતરમાં કોળી પટેલ સમાજ અંગે કરેલી ટીપ્પણીને લઇ વિવાદ થવા સાથે કોળી પટેલ સમાજમાં વિરોધ ઉઠ્યો હતો. અને નાણાંમત્રી માફી નહીં માગે માગે તો ધરણાની ચીમકી આપવામાં આવી હતી. જેને પગલે નાણાંમંત્રીએ દિલથી માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે વલસાડી તડપદી ભાષામાં બોલવામાં આવેલી કહેવતનો અધૂરો વીડિયો વાયરલ કરી દેવાયો છે. જો કોઈની ભાવના આહત થઇ હોય તો હું દિલગીર છું.