Get The App

ઉમેશ મકવાણા અને જેનીબેન ઠુમ્મરનું ફોર્મ આખરે મંજૂર, નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ રદ

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
ઉમેશ મકવાણા અને જેનીબેન ઠુમ્મરનું ફોર્મ આખરે મંજૂર, નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ રદ 1 - image


Lok Sabha Elections 2024 : દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. શુક્રવારે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ગુજરાત લોકસભાની 26 બેઠક અને વિધાનસભાની પાંચ બેઠક માટે કુલ 530 ઉમેદવારી પત્રો ભરાયા છે. તે સાથે ઉમેદવારીપત્રની ચકાસણી હાથ ધરવામા આવતા 'I.N.D.I.A.' ગઠબંધનના ત્રણ ઉમેદવારોના ફોર્મ વિવાદમાં આવ્યા હતા. જેમાંથી એક ઉમેદવારનું ફોર્મ રદ કરાયું છે જ્યારે અન્ય બે ઉમેદવારોના ફોર્મ મંજૂર કરાયા છે.

ભાવનગરથી ઉમેશ મકવાણાનું ઉમેદવારી ફોર્મ મંજૂર

ભાવનગર બેઠક પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરાયું છે. ઉમેશ મકવાણાના સોગંદનામામાં વિસંગતતાને લઈને ભાજપે વાંધા અરજી રજૂ કરી હતી. વર્ષ 2022માં રજૂ કરેલા સોગંદનામા અને વર્ષ 2024ની સોગંદનામામાં આવક અલગ દર્શાવાઈ હતી. પત્નિનાં હાથ પરની રોકડ દર્શાવી તેના કરતા આવક વધુ દર્શાવાઈ હતી. ઉમેશ મકવાણા કંપનીમાં ડાયરેક્ટર છે તેની આવકનો સ્ત્રોત દર્શાવાયો ન હતો. તેમજ શિક્ષણની માહિતી પણ અધુરી બતાવાઈ હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કર્યો હતો. જોકે, ગઈકાલે જિલ્લા કલેક્ટરે ઉમેશ મકવાણાને વાંધાના જવાબ આપવા 24 કલાકનો સમય આપ્યો હતો. આજે(21 એપ્રિલ) ઉમેશ મકવાણા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાનો જવાબ રજૂ કર્યો હતો. એક કલાકની સુનાવણી બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરાયું છે.

ઉમેશ મકવાણા અને જેનીબેન ઠુમ્મરનું ફોર્મ આખરે મંજૂર, નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ રદ 2 - image

અમરેલીથી જેનીબેન ઠુમ્મરનુ ફોર્મ માન્ય કરાયુ

અમરેલી બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ માન્ય કરાયું છે. જેનીબેનના સોગંદનામામાં મિલકત અંગે કોઈ સ્પષ્ટતા ન હોવા મુદ્દે ભાજપે વાંધો રજુ કર્યો હતો. ફોર્મમાં વિસંગતતાઓનાં કારણે ફોર્મ રદ કરવાની ભાજપે રજૂઆત કરી હતી. ત્યારબાદ ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેનને પુરાવાઓ રજૂ કરવા માટે સમય આપ્યો હતો. ઉમેદવારી ફોર્મમાં વિસંગતતાઓ મામલે સુનાવણી થઈ હતી. કોંગ્રેસ ઉમેદવાર દ્વારા તમામ આધાર પુરાવાઓ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરાયા હતા. કોંગ્રેસ અને ભાજપનાં વકીલો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ દલીલો કરવામાં આવી હતી. કોંગ્રેસ ભાજપ બંને પક્ષોની દલીલો ચૂંટણી અધિકારી કલેક્ટરે સાંભળી હતી. ત્યારબાદ કોંગ્રેસના પક્ષમાં નિર્ણય આવતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

ઉમેશ મકવાણા અને જેનીબેન ઠુમ્મરનું ફોર્મ આખરે મંજૂર, નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ રદ 3 - image

સુરતથી નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ કરાઈ

સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ગઈકાલે (શનિવાર) ચૂંટણી વિભાગ દ્વારા ઉમેદવારી પત્રની ચકાસણી શરૂ કરાઈ હતી. ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી કે નિલેશ કુંભાણીના ફોર્મમાં ત્રણેય ટેકેદારની સહી ખોટી છે, આ સાથે તેમના ડમી ઉમેદવારના ટેકેદારની સહીઓ પણ ખોટી છે. જોકે ત્યારબાદ ટેકેદારોએ પણ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઈને પોતાની સહી ખોટી હોવાનું સોગંદનામું કર્યું હતું. પછી તમામ ટેકેદારો ગાયબ થઈ ગયા હતા. જેને લઈને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીને ફોર્મ રદ કરવું કે નહીં તે અંગે શો-કોઝ નોટિસ પાઠવી હતી. ત્યારબાદ નિલેશ કુંભાણી અને તેના વકીલ ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન કોંગ્રેસે વધુ એક દિવસનો સમય માંગ્યો હતો, જેથી ચૂંટણી અધિકારીએ આજે (રવિવાર) સુનાવણી કરી હતી. જે દરમિયાન ગાયબ થયેલા ચારેય ટેકેદારો હાજર ન થતા સુરત જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું છે.

ઉમેશ મકવાણા અને જેનીબેન ઠુમ્મરનું ફોર્મ આખરે મંજૂર, નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ રદ 4 - image


Google NewsGoogle News