AAPના ચૈતર વસાવા પર સૌથી વધુ કેસ: ભાજપના 24 ઉમેદવાર કરોડપતિ, જાણો કોના પર સૌથી વધુ દેવું
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યા છે. પહેલા અને બીજા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે, જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે ગુજરાતમાં હવે 25 લોકસભા બેઠક પર સાતમી મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થશે. આ દરમિયાન રાજ્યના ઉમેદવારોની સંપત્તિ અને ગુનાઈત કેસને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
આપના ઉમેદવાર સામે સૌથી વધુ ગુનાઈત કેસ
અહેવાલો અનુસાર, રાજ્યના 266 ઉમેદવારોમાંથી 14 ટકા ઉમેદવાર સામે ગુનાઈત કેસ નોંધાયેલા છે. ભરૂચ બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવા 13 કેસ નોંધાયેલા છે. વલસાડ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સામે 4 કેસ, જુનાગઢ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા સામે 2 કેસ, અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટલ સામે 2 કેસ, પાટણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે એક કેસ, છોટાઉદેપુર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા સામે એક કેસ અને બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે એક કેસ નોંધાયેલો છે.
ભાજપના ઉમેદવારોની વાત કરવામાં આવે તો ગાંધીનગર બેઠકથી અમિત શાહ સામે ત્રણ કેસ, જુનાગઢ બેઠકથી રાજેશ ચુડાસમા પર એક કેસ, છોટાઉદેપુર બેઠકથી જશુ રાઠવા સામે એક કેસ નોંધાયેલા છે, જ્યારે ભરૂચ બેઠકથી બીએપીના ઉમેદવાર દિલીપ વસાવા સામે એક કેસ નોંધાયેલો છે.
ભાજપના ઉમેદવારો પાસે સૌથી વધુ સંપત્તિ
રાજ્યમાં કોંગ્રેસના ઉમેદવારો કરતા ભાજપના ઉમેદવારોની સંપત્તિ વધુ છે. ભાજપના 26માંથી 24 ઉમેદવાર કરોડપતિ છે. તો કોંગ્રેસના 23માંથી 21 ઉમેદવાર કરોડપતિ છે. જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ પાસે 147 કરોડ રૂપિયાની સંપત્તિ છે. અમિત શાહ 65 કરોડ રૂપિયા, સી. આર. પાટીલ 39 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.
સૌથી ઓછી આવક અને મિલકત ધરાવતા ત્રણ ઉમેદવારમાં બીએસપીના રેખાભાઈ હરસિંગ ચૌધરી, કોંગ્રેસના નિલેશ વસાઈકર અને અન્ય એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. જો કે, દેવું ધરાવતા ઉમેદવારોમાં ભાજપનાં પૂનમ માડમ પર 53 કરોડ રૂપિયા, કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પર નવ કરોડ રૂપિયા અને કોંગ્રેસ ઉમેદવારનાં જેની ઠુંમર પર ત્રણ કરોડ રૂપિયાનું દેવું છે.
ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની પ્રોફાઈલ જોવા અહીં ક્લિક કરો