'ભાજપને ફાયદો કરાવવા અસામાજિક તત્વોને મુક્ત કરાયા', ગુજરાત કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનના દિવસે થયેલી ઘટનાઓ મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કર્યા છતાં કાર્યવાહી થઈ નથી. હવે કોંગ્રેસના નેતાઓ દ્વારા ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી રૂબરૂ રજૂઆત કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસ દ્વારા ચૂંટણી દરમિયાનની તમામ ફરિયાદની નકલ મુખ્ય ચૂટણી અધિકારીને સોંપી હતી. આ ઉપરાંત જો આ મામલે કાર્યવાહી ન થાય તો કોંગ્રેસે કોર્ટમાં જવાની ચીમકી આપી હતી.
અમિત ચાવડાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા
કોંગ્રેસ નેતા અમિત ચાવડાની આગેવાનીમાં આજે (28મી મે) એક પ્રતિનિધિ મંડળ લોકસભા ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓ મુદ્દે સંડોવાયેલા નેતાઓ, પોલીસ અધિકારીઓ અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા મુખ્ય ચૂંટણી અધિકારી રજૂઆત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, 'કોઈ પણ રાજકીય ભેદભાવ વગર ચૂંટણી કરાવવી એ ચૂંટણી પંચની જવાબદારી છે. સાતમી મેના રોજ જે મતદાન થયું તેમાં રાજ્યમાં ભાજપના નેતાઓ, વહીવટી તંત્ર, પોલીસ અધિકારીઓ, બૂટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા જે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી તેની સામે અમારા ઉમેદવારો દ્વારા લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ ભાજપને ફાયદો કરાવવા કેટલાક અસામાજિક તત્વોને પેરોલ પર છોડવામાં આવ્યા હતા અને રાજ્યમાં ભય અને ડરનો માહોલ કરી મતદારોને ડરાવવામાં આવ્યા હતા.'
કોંગ્રેસે મુખ્ય ચૂટણી અધિકારી પાસે માંગ્યો જવાબ
વધુમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, 'આ મુદ્દે ચૂંટણી પંચને લેખિતમાં અને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. છતાં હજી સુધી અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી હવે ચૂંટણી પંચનો ડર રહ્યો હોય તેવું લાગી રહ્યું નથી. અમે મુખ્ય ચૂટણી અધિકારીને મળ્યા અને તેમને રજૂઆત કરી છે કે, 20 દિવસ પૂર્ણ થયા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એમને માહિતી આપો કે શું કાર્યવાહી કરવામાં આવી. તમામ ફરિયાદીની એક નકલ તેમને આપવામાં આવી છે.'
ચૂંટણીમાં મતદારોને ડરાવવામાં આવ્યા: સોનલ પટેલ
ગાંધીનગર લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે જણાવ્યું કે, 'રાજ્યમાં સાતમી મેના રોજ થયેલા મતદાનમાં ગેરરીતિ થઈ છે. અમે ઈમેલ કરીને જાણ કરી હતી, પરંતુ ચૂંટણી પંચ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. લઘુમતીઓને મત આપવા દેવા માટે ગેરરીતિ કરવામાં આવી હતી અને મતદારોને ડરાવવામાં આવ્યા હતા. ઘાટલોડિયા અને નારણપુરા જેવા વિસ્તારોમાં અમારા પોલિંગ એજન્ટને કાઢી મૂકવામાં આવ્યા હતા. બોગસ મતદાન કારવવામાં આવ્યું હતું. 2000 જેટલાં બૂથમાં એક પણ પોલિંગ ઓફિસરે રિપોર્ટ આપ્યો નથી.'