ભાજપમાં આંતરિક ડખાથી સાબરકાંઠાના 'આયાતી' ઉમેદવારની ટિકિટ-નોકરી બંનેનો ભોગ લેવાય તેવા સંકેત
Lok Sabha Elections 2024 : ઉમેદવારની પસંદગી કરવામાં ભાજપે આ વખતે કાચુ કાપ્યુ છે જેના કારણે ભાજપમાં વિરોધ વંટોળ શાંત થતો જ નથી. તેમાં સાબરકાંઠામાં તો ઉમેદવાર બદલ્યા પછી ય ઉમેદવાર બદલો તેવી માગ ઉઠી છે. જો સાબરકાંઠામાં ઉમેદવાર બદલાય તો ભાજપના ઉમેદવાર શોભના બારૈયાને ટિકિટ અને નોકરી ગુમાવવાનો વારો આવે તેમ છે.
સાબરકાંઠામાં ભાજપ હાઈકમાન્ડે ભીખુજ ઠાકોરને ટિકિટ આપી હતી ત્યારબાદ અટક મુદ્દે એટલી હદે વિવાદ વકર્યો કે, ઉમેદવાર બદલવા મજબૂર થવુ પડ્યુ હતું. ભાજપે ભીખુજી ઠાકોરને બદલે પક્ષપલટુ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાના પત્નિ શોભના બારૈયાની પસંદગી કરી હતી. આમ છતાંય હજુય ઉમેદવાર બદલવાને લઇને વિવાદ શમ્યો નથી.
વિવાદ ઠારવા માટે ખુદ ગૃહમંત્રીએ હિંમતનગર દોડી જવુ પડયુ હતું. આ ઉપરાંત પરિસ્થિતીને જોતાં ખુદ મુખ્યમંત્રીએ સ્થાનિક ધારાસભ્ય આગેવાનોને તેડુ મોકલીને પાંચ કલાક સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને વન ટુ વન મિટીંગ કરવી પડી હતી. દરમિયાન, ભાજપના ઉમેદવાર શોભના બારૈયા શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ટિકિટ મળતાં જ તેમણે સ્વેચ્છિક નિવૃતિ માટે અરજી કરી હતી જે શિક્ષણ વિભાગ મંજૂર કરી દીધી છે.
બીજી તરફ, શોભના બારેયાને પણ બદલવા રાજકીય કવાયત ચાલી રહી છે. સાબરકાંઠા અને અરવલ્લીના ભાજપના નેતાઓએ જ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં એક સૂરે કહ્યુંકે, પક્ષપલટુ કોઈપણ ભોગે નહી ચાલે. એવુ હોય તો ભીખુજી ઠાકોરને ટિકિટ આપો. નહીતર સાબરકાંઠા બેઠક ભાજપને ગુમાવવી પડશે. આ જોતાં ભાજપ પ્રદેશ નેતાગીરીએ એક રિપોર્ટ દિલ્હી હાઈકમાન્ડને મોકલી આપ્યો છે. ચર્ચા છેકે, જો શોભના બારૈયાને ઉમેદવાર તરીકે બદલવામાં આવશે તો તેમણે ટિકિટ જ નહીં, નોકરી પણ ગુમાવવાનો વારો આવશે.