'રાજનેતાઓ વાણીવિલાસ કરતાં બચે..' ભાજપના બે નેતાઓના નિવેદન અંગે ચૂંટણી પંચની ચેતવણી
Lok Sabha Elections 2024 | ગુજરાતમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ હજી શાંત થયો નથી ત્યારે ભાજપના અન્ય બે નેતાઓએ વિવાદાસ્પદ ટિપ્પણી કરીને આચાર સંહિતા ભંગના દાયરામાં આવ્યા છે. આ સંજોગોમાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે વાણીમાં સંયમ નહીં જળવાય તો કસૂરવારો સામે પગલાં લેવાશે.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે સોશ્યલ મિડીયાના માધ્યમથી અમે જાણ્યું છે પરંતુ વિવાદાસ્પદ ટિપ્પણી અંગેની ફરિયાદ અમારી સમક્ષ આવશે તો તે કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢના વિવાદિત કેસોમાં ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.
અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્ય એ કહ્યું હતું કે ચૂંટણી પંચે ૧૯ કેસોમાં સુઓમોટો કાર્યવાહી કરી છે, જે રાજકીય પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો સામે છે. કોઈ સ્પેસિફિક કિસ્સામાં વિગતો મેળવીને કાર્યવાહી કરાશે. ચૂંટણીની સભાના કિસ્સામાં કોઈ આચાર સંહિતાનો ભંગ થયો છે કે નહીં તે બાબતોની ચકાસણી કરીને પગલાં લેવામાં આવશે.