લોકસભા ચૂંટણી માટે ગુજરાતની બાકીની 11 બેઠકો પર આ નેતાઓની ટિકિટ કપાય તેવી શક્યતા
Gujarat Lok Sabha Elections 2024 : દેશભરના રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીની તડામાર તૈયારી કરી રહ્યા છે. દિલ્હી ભાજપ કાર્યાલયમાં 11 માર્ચે મોડી રાત સુધી ગુજરાતની 11 લોકસભા બેઠક પર કોને ટિકિટ આપવી તે મુદ્દે ભારે મનોમંથન ચાલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ (C.R.Patil) સહિતના આગેવાનો પણ હાજર હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે ગુજરાતનો પ્રવાસ પૂરો કરીને ફરી દિલ્હી પહોંચે ત્યારે ગમે તે ઘડીએ ગુજરાતની બાકીની 11 બેઠક પર ઉમેદવારો જાહેર થઈ શકે છે. અત્યાર સુધી ભાજપે (BJP Candidate) ગુજરાતની 15 સહિત દેશની કુલ 195 લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે.
બે બેઠકો વધુ ‘મનોમંથન’ ચાલી રહ્યું છે
ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે. આ પૈકી 11 બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી, જેમાં અમદાવાદ પૂર્વ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરત અને વલસાડ બેઠક સામેલ છે. ખાસ કરીને સાબરકાંઠા અને છોટા ઉદેપુર બેઠક પર કોને ટિકિટ આપવી તે અંગે ભાજપ હાઈ કમાન્ડ મૂંઝવણમાં છે.
આ મહિલા ઉમેદવારોની ટિકિટ કપાશે?
ભાજપ હાઈ કમાન્ડ આ વખતે 11 પૈકીની કેટલીક બેઠક પર નવા ચહેરાની શોધમાં છે. આ ઉમેદવારોમાં મહેસાણાના શારદાબેન પટેલ, ભાવનગરના ભારતીબેન શિયાળ, વડોદરાના રંજનબેન ભટ્ટ, છોટા ઉદેપુરના ગીતાબેન રાઠવા અને સુરતના દર્શનાબેન જરદોશ એમ પાંચ મહિલા નેતા પણ સામેલ હોવાનું કહેવાય છે. લોકસભા ચૂંટણીમાં આ પાંચેય મહિલા ઉમેદવારનું પત્તું કપાય તો નવાઈ પામવા જેવું નહીં હોય.
11માંથી કઈ બેઠક પર રિપીટ નહીં કરાય
ભાજપે હજુ 11 બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, જેમાં કઈ બેઠક પર ઉમેદવાર રિપીટ નહીં કરાય તેની સૌથી વધુ ચર્ચા છે. ભાજપે 15 લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. આ પૈકી કચ્છ (વિનોદ ચાવડા), પાટણ (ભરતસિંહ ડાભી), ગાંધીનગર (અમિત શાહ), જામનગર (પૂનમ માડમ), આણંદ (મિતેશ પટેલ), ખેડા (દેવુસિંહ ચૌહાણ), દાહોદ (જશવંતસિંહ ભાભોર), ભરૂચ (મનસુખ વસાવા), બારડોલી (પ્રભુભાઈ વસાવા) અને નવસારી (સી.આર. પાટીલ) એમ દસ બેઠક પર ભાજપે ઉમેદવાર રિપીટ કર્યા છે.
15 ઉમેદવારોમાં ફક્ત બે મહિલા ઉમેદવાર
ભાજપે ગુજરાત લોકસભાની 15 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં બનાસકાંઠાથી રેખા ચૌધરી અને જામનગરથી પૂનમ માડમ એમ ફક્ત બે મહિલા ઉમેદવાર છે. જામનગર બેઠક પર ભાજપે પૂનમ માડમને રિપીટ કર્યા છે, તો બનાસકાંઠામાં પરબત પટેલના સ્થાને રેખા ચૌધરીને ટિકિટ અપાઈ છે.
મહિલા અનામતના મુદ્દાનું ધ્યાન રખાશે?
દેશમાં 18મી લોકસભા પછી 33% મહિલા અનામતનો અમલ થઈ શકે છે. એ વખતે ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી છ પર મહિલાઓને ટિકિટ આપવી પડશે. ગઈ લોકસભા ચૂંટણી પછી ગુજરાતમાં આ ટકાવારી 23% આસપાસ હતી. ગુજરાતમાં અમદાવાદ પૂર્વ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને વલસાડની બેઠક પર ઘણાં સમયથી મહિલા નેતૃત્વ રહ્યું નથી. આ સંજોગોમાં એ જોવું રસપ્રદ રહેશે કે ભાજપ કઈ બેઠકો પર મહિલા ઉમેદવારોને અજમાવે છે.