ગુજરાતની 26 બેઠકો પર 544 ઉમેદવારો ચૂંટણી મેદાને, જેમાં મહિલા ફક્ત 30, સૌથી વધુ ફોર્મ અહીં ભરાયા
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો શુક્રવારે અંતિમ દિવસ હતો. 26 બેઠકો માટે કુલ 544 ઉમેદવારીપત્ર ભરાયા છે. હવે 20 એપ્રિલના ઉમેદવારીપત્રની ચકાસણી થશે અને 22 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. આમ, ગુજરાતમાં કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે તેના પરથી 22 એપ્રિલના ચિત્ર સ્પષ્ટ થશે.
2019ની ચૂંટણીમાં 371 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થયો હતો
2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી 527 પુરુષ-41 મહિલા- 1 ટ્રાન્સજેન્ડર એમ કુલ 569 ઉમેદવારીપત્ર ભરાયા હતા. આ પૈકી 117ના ઉમેદવારી પત્ર રદ કરાયા હતા. અને 81એ ઉમેદવારી પરત ખેંચી હતી. આમ, 342 પુરુષ-28 મહિલા-1 ટ્રાન્સજેન્ડર સાથે કુલ 371 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. જેની સરખામણીએ આ વખતે ગુજરાતમાંથી 544 ઉમેદવારી પત્ર ભરાયા છે અને તેમાં મહિલાનું પ્રમાણ માત્ર 30 છે.
ઉમેદવારી પત્ર ભરાવાનું અને મહિલાઓનું પ્રમાણ ઓછું
ભાવનગર બેઠકથી 6, ગાંધીનગર- સાબરકાઠાથી 4, બનાસકાંઠાથી 3, કચ્છમાંથી બે જ્યારે અમદાવાદ પશ્ચિમ અમરેલી, બારડોલી, દાહોદ, જામનગર, જુનાગઢ, ખેડા, નવસારી, વડોદરા, વલસાડમાંથી 1-1 મહિલાએ ઉમેદવારી પત્ર ભર્યા છે. આમ, 2019ની સરખામણીએ ઉમેદવારી પત્ર ભરાવાનું અને મહિલાઓનું પ્રમાણ ઓછું છે. બેઠક પ્રમાણે જોવામાં આવે તો અમદાવાદ પૂર્વમાંથી સૌથી વધુ 44, ગાંધીનગરમાંથી 44, વડોદરામાંથી 39 ઉમેદવારીપત્ર ભરાયા છે. બારડોલીમાંથી માત્ર 9 ઉમેદવારીપત્ર ભરાયેલા છે.