કપડવંજમાં પોલીસ સ્ટેશન પાસે પોલીસ લાઈનમાં જ 13 મકાનના તાળા તૂટયાં
- પોલીસની ધાક ઓસરતા તસ્કરો બેફામ બન્યા
- કિંમતી વસ્તુ ગઈ ન હોવાની ચર્ચા : શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં નોંધાતા અનેક સવાલો
કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રત્નાકર માતાજી મંદિર પાછળ આવેલા પોલીસ સ્ટેશન પાસે પોલીસ લાઇનના ત્રણ બ્લોકમાં ગઈ કાલે રાત્રે ૧૩ જેટલા મકાનના તાળા તુટયા હતા. સદનસીબે કોઈ મકાનમાંથી કિંમતી વસ્તુ ગઈ ન હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. ત્યારે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નહીં નોંધાતા સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ જોતી રહી ત્યારે સામાન્ય નાગરિકો ની સુરક્ષા શું? તેવા સવાલો નગરમાં ઠેર ઠેર ઉઠી રહ્યા છે. ઉપરાંત ગ્રામ્ય પોલીસ લાઈનમાં અંદાજે ૭૫ જેટલા મકાનો આવેલા છે. પોલીસ લાઇનમાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા નથી. કપડવંજ નગરમાં બે વર્ષના સમયગાળા દરમિયાન અંદાજે નગરમાં ૨૨ જેટલા સીસીટીવી કેમેરા દાન કરી ઓનલાઇન સીસીટીવી રૂમ બનાવાયો હતો.
આજે પણ કેટલાક અગત્યના સ્થળોએ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલાં બેંકની બહાર સિનિયર સિટીઝન રિક્ષામાં બેસવા જતા એક લાખ રૂપિયા થેલીમાં બ્લેડ મારી ગઠિયો લઈ ગયો હતો. આઝાદ ચોકમાં સીસીટીવી કેમેરા બંધ છે. ત્યારે નગરમાં મહત્વની જગ્યાએ નવા સીસીટીવી લગાડવા સાથે બંધ હોય તેને ચાલુ કરવા માંગણી ઉઠી છે.