ગાંધીનગરમાં રાજ્યભરમાંથી આવેલા આરોગ્ય કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, 1000 આંદોલનકારીઓની અટકાયત
Health workers Protest in Gandhinagar: ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગો છેલ્લા ત્રણ વર્ષોથી સંતોષવામાં ન આવતાં સરકાર સામે બાંયો ચઢાવી છે. આરોગ્ય કર્મચારીઓ આજે ગાંધીનગર પહોંચી આંદોલન કરવા મથામણ કરી રહ્યા છે, ત્યારે આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ડામી દેવા માટે અટકાયત શરૂ થઈ ગઈ છે. હાલમાં પોલીસે 1000 જેટલા આરોગ્યકર્મીઓની અટકાયત કરી મંગોડી, ગાંધીનગર પોલીસ હેડ ક્વાર્ટર અને કરાઈ ખાતે લઈ જવામાં આવ્યા છે. ગત અઠવાડિયે માસ સી એલ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મીઓ સામે સરકારે લાલ આંખ કરવાની યુક્તિ ગોઠવી દીધી છે. જ્યારે આજે આરોગ્ય કર્મીઓ રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાંથી ગાંધીનગર આવી પહોંચ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આરોગ્ય કર્મીઓની અટકાયત તેમના જિલ્લાઓમાંથી શરૂ થઈ ગઈ છે. જેમાં જિલ્લાના પ્રમુખ માર્ગો પર પોલીસ દ્વારા તેમને ગાંધીનગર તરફ જતા અટકાવી દેવામાં આવ્યા છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવાની ચીમકી આપી ગાંધીનગર ગેટ નંબર 1 આગળ પહોંચે એ પહેલા 3 લેયર ચેકીંગ ગોઠવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: આંદોલન બાદ ખેલ સહાયક ભરતીની યાદી જાહેર કરવાનું સરકારનું નાટક, ફક્ત 1,465 લોકોનો કરાર રિન્યુ કરાશે
ગાંધીનગર પોલીસ સહિત ગાંધીનગર રેન્જની પોલીસ અને અધિકારીઓને ગાંધીનગર ગોઠવી દેવામાં આવ્યા છે. દરેક ચેક પોસ્ટ પર સ્થાનિક લોકોનું પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ફરજિયાત ઓળખ પત્ર બતાવીને જ સચિવાલય તરફ જવા દેવાના આવી રહ્યા છે.
આરોગ્ય કર્મચારી મહાસંઘ છેલ્લા ઘણાં સમયથી આરોગ્ય કર્મચારીઓની મહત્વપૂર્ણ માંગણીઓને લઇ સરકારને રજૂઆત કરી રહ્યો છે. આ માંગણીઓમાં આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ આ મુદ્દાઓ માટે લાંબા સમયથી સરકાર સામે પોતાની આ વાત રજૂઆત કરી રહ્યા છે.
આ પણ વાંચો: રાજ્યની મહત્ત્વની ચાર હૉસ્પિટલમાં 5,056 જગ્યા ખાલી, ભરતી અંગેનો સરકારનો જવાબ હાસ્યાસ્પદ
ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે જેમાં આરોગ્ય કર્મીઓ જે કોઈ સચિવાલયમાં ઘૂસીને કોઈ આંદોલન કે અન્ય ઘટના ન થાય એ માટે ખાસ પોલીસ બંદોબસ્ત અગાઉ ગોઠવી દેવામાં આવ્યો છે.
હવે આરોગ્ય કર્મીનું હડતાળ પાડવું મુશ્કેલ
રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, ત્યારે બિનજરુરી અને વારંવાર હડતાલ પર જઈને દર્દીઓની જીંદગી જોખમમાં મૂકતા આરોગ્ય કર્મીઓની મનમાની હવે નહીં ચાલે. ફિક્સ-પે ના કર્મીઓ હડતાલ પર જાય ત્યારે તેમની સેવા સમાપ્તિ સુધીની વિચારણા ચાલી રહી છે. આ મામલે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ, 1981 (ESMA) હેઠળ હવે સરકાર નોટિફિકેશન કે ગેજેટ પ્રસિદ્ધ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે. અગાઉ રાજ્યમાં પોલીસ, ઊર્જા જેવા મહત્ત્વના વિભાગોની સેવાઓ પણ અગાઉથી અતિઆવશ્યક સેવાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.