નડિયાદના મરીડા દરવાજા વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન
- મહાનગરપાલિકા થવા છતાં લોકોના પ્રશ્નો ઠેરના ઠેર
- દુર્ગંધ મારતા ગંદા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર, મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય
નડિયાદ શહેરના મરીડા દરવાજા વિસ્તારના લોકોથી ધમધમતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી. ત્યારે બીજી બાજુ મહંમદી મસ્જિદથી મરીડા દરવાજા તરફ જતા રસ્તામાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. આવી જ રીતે મારું વાસમાં પણ ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ ઉપર વહેવાથી સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે. લોકોને ગટરના ગંદા પાણી ડહોળીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે. ગટરના ગંદા પાણી ભારે દુર્ગંધ મારતા હોવાથી તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ વધતા રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. ગાજીપુર વાળા તેમજ આજુબાજુના વિસ્તારના લોકો, વાહન ચાલકોને રોડ ઉપર ઉભરાતી ગટરના કારણે ભારે હાલાકી વેઠવી પડે છે. નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતર થવા છતાં આ વિસ્તારના ઉભરાતી ગટરોની સાફ-સફાઈ, બિસ્માર રસ્તા જેવા પ્રશ્નો ઠેરના ઠેર રહેવા પામ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા સત્વરે આ વિસ્તારમાં ઉભરાતી ગટરોની સાફ-સફાઈ તેમજ નિયમિત સાફ-સફાઈ કરવા માંગણી ઉઠી છે.