વડોદરાના વાસણા રોડ ચાર રસ્તા પર ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ
Vadodara Corporation : વડોદરામાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2019-20 ની 270 કરોડની ગ્રાન્ટમાંથી વડોદરામાં જે પાંચ બ્રિજ બનાવવાના છે, તેમાંથી એક વાસણા રોડ ચાર રસ્તા ઉપર 52.60 કરોડના ખર્ચે બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેનો વિસ્તારના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ ચાલુ કરાયો છે. લોકોની એક જ માગ છે કે અહીં બ્રિજની કોઈ જરૂર જ નથી, છતાં નાણાનો વેડફાટ કરીને શા માટે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ? હજુ ગઈ તારીખ 2 થી વાસણા ચાર રસ્તાથી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી બનનારા 795 મીટર લાંબા બ્રિજની કામગીરીને ધ્યાનમાં રાખીને બે વર્ષ સુધી વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વિસ્તારના રહીશોએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
લોકોનું કહેવું છે કે અહીં સવાર સાંજ બે કલાક ટ્રાફિક રહે છે, એ સિવાય ટ્રાફિકની કોઈ સમસ્યા નથી, માટે અહીં બ્રિજની કોઈ આવશ્યકતા નથી. ફ્લાય ઓવરબ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યા હલ થઈ જવાની નથી જો એવું જ હોત તો અટલબિજ બન્યો તો તેના લીધે ટ્રાફિક સમસ્યાનો નિવેડો આવી ગયો હોત, પરંતુ આજે અટલબિજ બન્યા પછી પણ ટ્રાફિક સમસ્યા તો જેમની તેમ યથાવત રહી છે. ખરેખર તો વોલ ટુ વોલ રોડ બનાવી નડતરરૂપ દબાણો હટાવી દેવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે. ફ્લાય ઓવરબ્રિજના બદલે અમદાવાદની જેમ અંડર પાસ બનાવી શકાય. ત્રણ વર્ષ અગાઉના સર્વેના આધારે બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ ત્યારે પરિસ્થિતિ જુદી હતી. હવે ટ્રાફિક ડાયવર્ટ થઈ રહ્યો છે.
અગાઉ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સીએમઓમાં અસંખ્ય અરજીઓ આપી છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. હજુ કોર્પોરેશનમાં રજૂઆતો કરવામાં આવશે. જરૂર પડશે તો ગાંધીનગર સુધી અમારી વાત રજૂ કરવા જઈશું. તેમ છતાં પ્રશ્નનો હલ નહીં આવે તો ધરણા કરવામાં આવશે. 24 મીટર પહોળા રોડ પર 11.51 મીટરનો પહોળો બ્રિજ બનાવવો બિનજરૂરી છે. આ વિકાસ નથી. ભ્રષ્ટાચાર છે,અને પ્રજાકીય નાણાનો બગાડ છે, એમ લોકોનું કહેવું છે.