દક્ષિણ ગુજરાતની પાંચ નગરપાલિકામાં બહુમતી સાથે ભાજપનો ભગવો, કોંગ્રેસની બેઠકો તૂટી, આપનું ખાતું ખૂલ્યું નહી
Local Body Election Result 2025: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મંગળવારે મતગણતરી બાદ જાહેર કરાયેલા પરિણામમાં દક્ષિણ ગુજરાતની પાંચ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. તમામ નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. કોંગ્રેસની બેઠકો તૂટી છે જ્યારે આમ આદમી પાર્ટીનું ક્યાંય ખાતું ખૂલ્યું નથી.
કોંગ્રેસની બેઠકો ઘટી, આપનું ખાતું ખૂલ્યું નહી
વલસાડમાં ભાજપે 44 પૈકી 41 બેઠક પર વિજય મેળવ્યો છે. વોર્ડ નં-3,4ની તમામ આઠ બેઠકો મેળવીને કોંગ્રેસના સૂપડા સફા કરી નાંખ્યા છે. ભાજપના સાત ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા હતા. જ્યારે ધરમપુરમાં 24 બેઠકો પૈકી 20 બેઠકો ભાજપે મેળવી છે. અહી ચાર બેઠક અપક્ષે મેળવી છે. કોંગ્રેસને એકેય બેઠક મળી નથી. વલસાડ અને ધરમપુર પાલિકા વર્ષોથી ભાજપનાં ગઢ છે જે મોટા માર્જિનથી જાળવી રાખવામાં સફળ રહ્યા છે.
પારડી નગરપાલિકાની 24 બેઠકો પૈકી 22 બેઠકો પર વિજય સાથે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. ગત ચૂંટણી કરતા ભાજપને 8 બેઠક વધુ જ્યારે કોંગ્રેસને 9 બેઠક ગુમાવવી પડી છે. એક બેઠક પર અપક્ષ વિજેતા બન્યા છે. ભાજપના ચાર અસંતુષ્ટો પૈકી અપક્ષ તરીકે ઝંપલાવનાર એક નેતા જીજ્ઞેશ આહીર વિજેતા બન્યા છે. જોકે, તે ભાજપને સમર્થન આપે તેમ જણાય છે.બીલીમોરા નગરપાલિકાની 36 પૈકી 29 બેઠકો પર ભાજપે વિજય સાથે ફરી સત્તા કબજે કરી છે.
જોકે ચૂંટણીમાં ભાજપના ત્રણ પૂર્વ પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રી, અશોક પટેલ અને સંઘ્યાબેન પટેલ હાર્યા છે. જ્યારે પૂર્વ પ્રમુખ રામજીભાઇ પટેલ, મનીષચંદ્ર નાયક જીત્યા છે. કોંગ્રેસને બે બેઠક જ્યારે અપક્ષ પાંચ બેઠક પર જીત્યા છે.સોનગઢ નગરપાલિકાની 28 પૈકી 26 બેઠક પર ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસને બે બેઠક મળી છે. જ્યારે આપનું ખાતું પણ ખૂલ્યું નથી. પાંચ બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા બન્યો છે.
દક્ષિણ ગુજરાતમાં પાંચ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ
નગરપાલિકા | કુલ બેઠક | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
વલસાડ | 41 | 41 | 01 | 02 (અપક્ષ) |
ધરમપુર | 24 | 20 | 00 | 04 (અપક્ષ) |
પારડી | 28 | 22 | 05 | 01 (અપક્ષ) |
બીલીમોરા | 36 | 29 | 02 | 05 (અપક્ષ) |
સોનગઢ | 28 | 26 | 02 | 00 |