Get The App

ચોટીલા સર્કિટ હાઉસ નજીકથી ટ્રકમાંથી રૂા. 59.71 લાખનો દારૂ ઝડપાયો

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
ચોટીલા સર્કિટ હાઉસ નજીકથી ટ્રકમાંથી રૂા. 59.71 લાખનો દારૂ ઝડપાયો 1 - image


- દારૂ  અને ટ્રક સહિત રૂા. 64.73 લાખનો મુદ્દામાલ જપ્ત

- પોલીસે ટ્રક ચાલક સહિત દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર સહિતનાઓ સામે ગુનો નોંધ્યો

- ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ બુટલેગરો બે-ખોફ બે-લગામ! (સ્લેટ)

સુરેન્દ્રનગર,ચોટીલા : થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈ બુટલેગરો દ્વારા અત્યાથી જ મોટાપાયે દારૂનો સ્ટોક એકઠો કરી રહ્યા છે. ત્યારે આજે ચોટીલા શહેરી વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન ૫૯.૭૧ લાખનો દારૂ ઝડપાયો હતો. પોલીસે દારૂ, ટ્રક મળી રૂા.૬૪.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી છે. 

ચોટીલા હાઈવે પરથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો વધી રહ્યાં છે. ત્યારે હાઈવે પર પોલીસે વાહનચેકિંગ તેમજ પેટ્રોલિંગ હાથધર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન સર્કિટ હાઉસ પાસેથી બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ હાલતમાંથી પસાર થતાં એક ટ્રકને અટકાવ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની પુછપરછ કરતા ટ્રકચાલકે પોતાનું નામ ઓપારામ ઉર્ફે ઓપી સૌરમરામ સારણ (રહે. ઠે.રામડાવાસ, જિ.જોધપુર, રાજસ્થાન)હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકની તલાસી લેતા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૫૯,૭૧૨ મળી આવી હતી. પોલીસે રૂા.૫૯,૭૧,૨૦૦ લાખની કિંમતનો દારુ, મોબાઇલ, રોકડ રુ. ૧૨૦૦ અને ટ્રક મળી કુલ રૂા.૬૪.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા ટ્રકચાલક સહિત દારૂનો જથ્થો ભરી આપનાર શખ્સ ભાવેશ, દિનેશ નામનો વ્યક્તિ અને દારૂનો જથ્થો મંગાવનાર અને દારૂના જથ્થાના વહન માટે ટ્રક આપનાર ટ્રકમાલીક સહિતનાઓની સંડોવણી બહાર આવતા તમામ વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૩૧ ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચોટીલા પોલીસે મોટાપાયે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને ક્યાંકને ક્યાંક ૩૧ડિસેમ્બરની ઉજવણીમાં ભંગ પડયો હતો.

જથ્થો રાજકોટની ઔધોગિક વસાહતનાં બુટલેગરનો હોવાની આશંકા !

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પકડાયેલ ચાલકની પુછતાછમાં ટ્રક ભરીને આપનારે રાજકોટ પહોચ્યાં પછી ફોન કરવાની વિગતો પોલીસને  હોવાનું ખુલ્યું છે. પકડાયેલા જથ્થાની બોટલ ઉપર ગોવાનું ઉત્પાદન હોવાનું લખાણ છે. તે જોતા મજુર વર્ગમાં વેચાણ થાય તે પ્રકારનો જથ્થો છે. રાજકોટ વિસ્તારની ઔધોગિક વસાહત વિસ્તારનાં કોઇ બુટલેગરનો હોવાની આશંકા ઉપજાવી રહેલ છે.

ટ્રક ભરીને દારૂનો જથ્થો બોગસ બિલ્ટીનાં આધારે ચોટીલા સુધી પોહચી ગયો !

પોલીસને ટ્રક લોડીંગ બિલ્ટી મળી છે. જેમા ટ્રકમાં હાર્ડવેર આઇટમ હોવાનું અને વેરાવળ જીઆઇડીસીમાં આવેલા સન પ્રકાશ મરીન ટ્રેડર્સ ને પહોંચતો કરવાનું લખાયેલ છે. પકડાયેલ આરોપીની પુછતાછમાં બિલ્ટી નાં આધારે રાજકોટ પહોંચવાનું હતું પરંતુ તે પહેલા જ ચોટીલા પોલીસે ઝડપી લીધો છે. 

એક સપ્તાહમાં સૌથી વધુ દારૂની બોટલો ચોટીલા વિસ્તારમાં ઝડપાઇ !

૩૧ ડીસે પહેલા એક સપ્તાહમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઇંગ્લીશ દારૂ ચોટીલા વિસ્તારમાંથી ઝડપાયો છે. વિગત મુજબ નાવા ગામે ચાલુ કટીંગમાં એસએમસીનાં હાથે ૫૪૩૩ બોટલ,ચોટીલા પોલીસનાં હાથે નાની મોલડી સીમ વિસ્તારમાંથી ૫૪૦ બોટલ, ૩૮૪ નંગ ટીન, નાવા કટીંગ પૈકીની ૧૧૨૮ બોટલ, ફરી ચોટીલા પોલીસે નાની મોલડી પાસે ચાલુ કટીંગમાં ૨૪૦૬૦ બોટલ, શનિવારે વાહાન ચેકિંગમાં ટ્રકમાંથી ૫૯૭૧૨ નાની બોટલો, એક અંદાજ મુજબ ૯૦૮૭૩ બોટલ નંગ ઇંગ્લીશ દારૂની એક સપ્તાહ દરમ્યાન ઝડપાયેલ છે.



Google NewsGoogle News