થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા લીંબડી નજીક 38 લાખનો દારૂ ઝડપાયો
રાજસ્થાનથી સામખિયાળી દારૂનો જથ્થો લઇ જવાતો હતો
દારૂ, બિયર, ટ્રક સહિત કુલ રૂા.૪૯ લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, પાંચ સામે ગુનો
આગામી ૩૧ ડિસેમ્બરની પાર્ટી અને ઉજવણીને ધ્યાને લઈ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ થતું હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમિયાન પાણશીણાથી લીંબડી તરફ આવી રહેલ એક ટ્રકને રોકી તેની તલસી લેતા ટ્રકમાં ચોરખાનું બનાવી સંતાડેલ ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની અને બીયર ટીન સહિત કુલ ૧૧,૧૧૮ બોટલ કિંમત રૂા.૩૮.૦૬ લાખ તેમજ ટ્રક કિંમત રૂા.૧૦ લાખ, બે મોબાઈલ કિંમત રૂા.૧૧ હજાર, પ્લાસ્ટીક વેસ્ટ સ્ક્રેપ મટીરીયલ ૧૨૦ મણ કિંમત રૂા.૧,૨૦,૦૦૦ મળી કુલ રૂા.૪૯.૩૭ લાખના મુદ્દામાલ સાથે સુરેશ પોલારામ રહે.રાજસ્થાન (ડ્રાઈવર) અને પારસરામ ધીરારામ બીસ્નોઈ રહે.રાજસ્થાન (ક્લીનર)ને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય ત્રણ શખ્સો ડુંગરારામ મોહનલાલ મેઘવાલ રહે.રાજસ્થાન, માલ મંગાવનાર સામખીયાળીના અજાણ્યા શખ્સો અને લુધીયાણાથી માલ ભરી આપનાર ચાલક સહિતનાઓની સંડોવણી સામે આવી હતી. આથી પોલીસે ઝડપાયેલ બંને શખ્સો સહિત તમામ વિરૂધ્ધ લીંબડી પોલીસ મથકે ગુનોે નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે ૩૧ ડિસેમ્બર પહેલા મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતા સ્થાનીક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.