Get The App

થર્ટી ફર્સ્ટે જામતી મહેફીલો માટે મંગાવેલો ૩૧ લાખનો દારૃ ઝડપાયો

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
થર્ટી ફર્સ્ટે જામતી મહેફીલો માટે મંગાવેલો ૩૧ લાખનો દારૃ ઝડપાયો 1 - image


લાલપુર તાલુકાનાં મચ્છુ બેરાજા ગામે પોલીસનો દરોડો

મકાનમાં સંતાડેલો ૪૦૨ પેટી દારૃ કબજે લઇને અન્ય ૧૪૨૮ બોટલની ડિલિવરી કરવા જઇ રહેલા બુટલેગર સહિત બે શખ્સોને ઝડપી લેવાયા

જામનગર : જામનગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે ઇંગલિશ દારૃનો જંગી જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનું કટીંગ થઈ રહ્યું છે તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ લાલપુર પોલીસ ટીમ સતર્ક બની હતી, અને મચ્છુ બેરાજા ગામમાં એક મકાનમાં સંતાડવામાં આવેલો રૃપિયા ૩૧ લાખની કિંમતનો ૪૦૨ પેટી જથ્થો કબજે કરી લીધા બાદ બાતમીનાં આધારે વોચ ગોઠવી એક વાહનમાં લઈ જવાતો વધુ ૧૪૨૮ નંગ ઇંગ્લિશ દારૃનો જથ્થો કબજે કરી લઇ બુટલેગર સહિત બે શખ્સોને અટકાયતમાં લીધા છે, જયારે ત્રણ સપ્લાયરોના નામો ખુલ્યા છે.

જામનગર પંથકમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે દારૃના પ્યાસીઓને મોટા પ્રમાણમાં દારૃ પૂરો પાડવા માટે કેટલાક બુટલેગરો સક્રિય બન્યા હતા અને લાલપુર પંથકમાં તાજેતરમાં જ મોટો ઇંગલિશ દારૃ  ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે લાલપુર ના પી.એસ.આઇ. એસ.પી. ગોહિલ તેમજ સ્ટાફના દિગુભા જાડેજા તેમજ જયરાજસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામની સીમમાં આવેલા નરેન્દ્ર ઉર્ફે નંદુ બાબુલાલ રાઠોડ કે જે પોતે હાલ જામનગર નજીક હાપા સ્ટેશન વિસ્તારમાં રહે છે, પરંતુ અહીં મચ્છુ બેરાજામા તેનું મકાન આવેલું છે, જે મકાનમાં મોટો દારૃનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી કુલ (૪૦૨ પેટી) ૪૮૨૮ નંગ ઇંગ્લિશ દારૃની બાટલીનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત ૩૧,૨૫,૯૫૨ રૃપિયા થાય છે.

જે માતબર ઇંગ્લિશ દારૃ કબજે કરી લીધો હતો, અને લાલપુર પોલીસ મથકમાં દારૃબંધી ભંગ અંગે ગુનો નોંધી તે ગુનામાં આરોપી નરેન્દ્ર બાબુલાલ રાઠોડ ને ફરારી જાહેર કર્યો હતો.

 દરમિયાન એલસીબીની ટુકડી પણ મોટો ઈંગ્લીશ દારૃનો જથ્થો વાહનમાં હેરાફેરી કરવામાં આવી રહ્યો છે. તેવી બાતમી ના આધારે લાલપુર પંથકમાં વોચ ગોઠવી હતી, જે દરમિયાન ડબાસંગ રોડ પર ફાટક પાસેથી પસાર થઈ રહેલા એક બોલેરો પીકપ વેન ને અટકાવીને તેની તલાસી લેતાં તેમાંથી વધુ ૧૪૨૮ નંગ ઇંગ્લિશ દારૃની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે દારૃ અને વાહન સહિત કુલ રૃપિયા ૧૪ લાખ ૩૫ હજારની માલમતા કબજે કરી લીધી હતી, જ્યારે જે ઈંગ્લીશ દારૃ હેરાફેરી થતી હતી તેમાં બઠેલા નરેન્દ્ર બાબુભાઈ રાઠોડ કે જેણે મચ્છુ બેરાજામાં દારૃનો મોટો જથ્થો ઉતાર્યાે હતો, અને ત્યાંથી જ કટીંગ કરવા માટે નીકળ્યો હતો. તેની અને તેની સાથે રાજકોટના જયપાલસિંહ લાલુભા વાઘેલા નામના વાહનચાલકની અટકાયત કરી લીધી હતી.

જે બન્ને ની વધુ પૂછપરછ દરમિયાન દારૃનો જથ્થો મૂળ દમણ અને ત્યારબાદ રાજકોટ તરફથી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, અને તે દારૃનો જથ્થો સપ્લાય કરવામાં મૂળ જામનગરના રાહુલ મેર ઉર્ફે લાંબોરાજકોટના સાજીદ ભાઈ અને મૂળ રાજકોટના અને હાલ જામનગર રહેતા અશરફ દોસ્તમામદ કોચલીયાના નામો ખુલ્યા હતા, જે ત્રણ ને ફરારી જાહેર કરાયા છે, અને તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

rajkotdaru

Google NewsGoogle News