ચોટીલાના નવાગામમાં કટિંગ વખતે દરોડામાં 31 લાખનો દારૂ ઝડપાયો
- સ્થાનિક પોલીસ નિષ્ક્રીય, બુટલેગરો સક્રિય, એસએમસીની કાર્યવાહી
- દારૂની 5433 બોટલ, ટેન્કર, પીકઅપ અને મીનીટ્રક સહિત રૂા. 66.09 લાખનો મુદ્દામાલ જપ્ત : એકની અટકાયત સાથે 18 શખ્સો વિરૂદ્ધ ગુનો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૧ ડિસેમ્બર નજીક આવતા બુટલેગરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે અને અત્યારથી જ ઈંગ્લીશ દારૂનો સંગ્રહ અને કટીંગ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ (એસએમસી) દ્વારા ચોટીલા તાલુકાના નવાગામમાં આવેલ એક ખેતરમાં દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું તે દરમ્યાન નાસ ભાગ મચી જવા પામી હતી જેમાં પોલીસે સ્થળ પરથી એક શખ્સ સહિત રૂા. ૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે એસએમસી પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના નાવા ગામની સીમમાં આવેલ ખેતરમાં બે શખ્સો બહારથી ઈંગ્લીશ દારૂ ટેન્કર મારફતે મંગાવી કમલેશભાઈ ભીમજીભાઈ ઢોલા રહે.રાજકોટવાળાની માલીકીની જમીનમાં દારૂનું ટેન્કર લાવી અન્ય વાહનોમાં ભરાવી કટીંગ કરી રહ્યાં હતાં તે દરમ્યાન બાતમીના આધારે ગાંધીનગર એસએમસીની ટીમે રેઈડ કરી હતી જે દરમ્યાન ૮ થી ૧૦ શખ્સો અલગ-અલગ વાહનોમાં ઈંગ્લીશ દારૂનું કટીંગ કરાવી તેને અલગ-અલગ દારૂના બુટલેગરો સુધી પહોંચાડતા હોવાનું સામે આવ્યું હતું જ્યારે એસએમસી ટીમે રેઈડ કરતા જ ૮ થી ૧૦ શખ્સો અને એક પીકઅપ વાન નાસી છુટયા હતા જ્યારે સ્થળ પરથી પોલીસે વિજયભાઈ મંગાભાઈ ચૌહાણ રહે.નાવા ગામ તા.ચોટીલાવાળાને ઝડપી લીધો હતો અને તેની પુછપરછ કરતા છેલ્લા ચાર વર્ષથી કમલેશભાઈ ભીમજીભાઈ ઢોલાની જમીનની દેખરેખ રાખતો હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ વધુ ચેકીંગ કરતા સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૫૪૩૩ કિંમત રૂા.૩૧.૦૨ લાખ તેમજ કટીંગમાં ઉપયોગમાં લેવાતા ટેન્કર, પીકઅપ અને મીનીટ્રક કિંમત રૂા.૩૫ લાખ મળી કુલ રૂા.૬૬.૦૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ઝડપાયેલ શખ્સ વિજય મંગાભાઈ ચૌહાણ સહિતનાઓ સામે ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
કેટલા સામે ગુનો નોંધાયો?
જ્યારે એસએમસીની ટીમે રેઈડ કરતા એક શખ્સ ઝડપાઈ ગયો હતો જેની પુછપરછ કરતા અન્ય શખ્સોની પણ સંડોવણી બહાર આવતા (૧) રાજુભાઈ શિવાભાઈ પરાલીયા રહે.ગુંદા તા.ચોટીલા (દારૂનો જથ્થો મંગાવનાર તેમજ કટીંગ કરનાર મુખ્ય આરોપી) (૨) ચતુરભાઈ શિવાભાઈ પરાલીયા રહે.ગુંદા તા.ચોટીલા (કટીંગ કરનાર મુખ્ય આરોપી) (૩) રાહુલ ઉર્ફે ઢબુ બાબરીયા રહે.નાવાગામ તા.ચોટીલા (મુખ્ય આરોપીનો સાગરીત) (૪) મુકેશ ઉર્ફે મુકો હકાભાઈ કોળી રહે.ગુંદા તા.ચોટીલા (કટીંગ કરાવનાર) (૫) ટેન્કરનો માલીક અને ચાલક (૬) પીકઅપનો માલીક અને ચાલક (૭) મીની ટ્રકનો માલીક અને ચાલક (૮) નાસી છુટેલ પીકઅપનો માલીક અને ચાલક (૯) રેઈડ દરમ્યાન નાસી છુટેલ ૭ થી ૮ શખ્સો અને (૧૦) ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર સહિતનાઓ સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
થર્ટી ફર્સ્ટ પહેલા જ દારૂના કટિંગ પર રેડથી બુટલેગરોમાં ફફડાટ
૩૧ ડિસેમ્બરની ઉજવણી દરમ્યાન લાખોની કિંમતના દારૂની હેરાફેરી અને સંગ્રહ બુટલેગરો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનીક ચોટીલા પોલીસને અંધારામાં રાખી એસએસમીની ટીમે ચાલુ કટીંગ દરમ્યાન રેઈડ કરી લાખોની કિંમતનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતા સ્થાનીક પોલીસની સામે અનેક સવાલો ઉભા થયા છે તેમજ બુટલેગરોમાં પણ આ રેઈડને લઈ ફફડાટ જોવા મળી રહ્યો છે.