Get The App

ચોટીલા પંથકમાંથી 31 લાખનો દારૂ પકડાયો, ભાજપનાં આગેવાનો જ નિકળ્યા બુટલેગર

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
ચોટીલા પંથકમાંથી 31 લાખનો દારૂ પકડાયો, ભાજપનાં આગેવાનો જ નિકળ્યા બુટલેગર 1 - image


ચોટીલા :  ચોટીલા શહેર અને તાલુકામાં દેશી- ઇંગ્લીશ દારૂનાં ધંધો ફુલોફાલ્યો હોવાના અહેવાલો બાદ ગત રાત્રીનાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાલુ કટીંગ ઉપર નાવા ગામની સીમમાં છાપો મારતા નાસભાગ મચી ગઇ હતી. બીજી તરફ રાજ્યની ટીમનાં દરોડા સમયે સ્થાનિક પોલીસે પણ ઇંગ્લીશ દારૂની રેડ કરી જથ્થો ઝડપી પાડતા દારૂનાં વેપારમાં રાજકીય સંડોવણી ખુલતા સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત મોડી સાંજે થાનરોડ ઉપરનાં નાવા ગામની સીમમાં આવેલા પાકા દિવાલ દરવાજા વાળી વાડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઇંગ્લીશ દારૂના કટીંગ ઉપર દરોડો પાડતા નાસભાગ મચી હતી અને અંધારાનો લાભ ઉઠાવી બુટલેગરો દિવાલો કુદીને પોતાના વાહનો મુકીને નાસી છુટ્યા હતા. પરંતુ આ દરોડામાં દુધનાં ટેન્કર જેવું કચ્છ પાસગનું મોટું ટેન્કર સાથે છોટા હાથી, બોલરો પીક અપમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 5433  (કિંમત રૂ.31,02, 243), રોકડ રૂ.7000 સાથે વાહનો મળી કુલ રૂ. 66.09.243ના મુદ્દામાલ સાથે નાવા ગામના વિજય મંગાભાઇ ચૌહાણને પકડી પાડી પુછતાછ કરતા  છેલ્લા ચારેક વર્ષથી કમલેશ ભીમજીભાઇ ઢોલાની વાડીની વાડીની દેખરેખ અને રખેવાળી રાખતો હોવાનું જણાવ્યું હતું.

પોલીસની છાપામારીમાં એક પીક અપ વાહન તેમજ આરોપીઓ ભાગી છુટયા હતા આ ગુનામાં સ્ટેટ ની ટીમે પકડાયેલ જથ્થાનું કટીંગ કરાવનાર ચોટીલાનાં ગુંદા (ખડ) ગામનાં રાજુભાઇ શીવાભાઇ પરાલીયા ચોટીલા તાલુકા પંચાયતના સદસ્ય ચતુરભાઇ શીવાભાઇ પરાલીયા, રાજકોટના રાહુલ બાબરીયા ઉર્ફે ઢબુ, ચોટીલાનાં નાવા ગામનો મુકેશ ઉર્ફે મુકો હકાભાઇ કોળી, ટેન્કર, બોલરો પીક અપ તેમજ છોટા હાથી જેવા વાહનોના ચાલક અને માલિક કટીંગ દરમ્યાન નાસી જનારા, જથ્થો પુરો પાડનારા અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુન્હો નોંધાવ્યો હતો.

સ્ટેટ વિજીલન્સનાં દરોડા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગયેલ હતી જેઓએ નાની મોલડી  સીમ વિસ્તાર પડતર જમીનમાં રાખેલ ઇંગ્લીશની 540 બોટલ, બીયર ટીન નંગ 384 કુલ 3.15.834 મુદ્દામાલ પકડી પાડી સાયલાનાં ઢીકવાળી ગામનાં અરવિંદ ગોરધન બારૈયા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

એસએમસીના  દરોડા દરમિયાન તા.પં. ના મહિલા સદસ્યનો પુત્ર સુરેશ જીવણભાઈ મકવાણા (રહે. પાળિયાદ) દારૂની બોટલ નંગ 1128,  રોકડા રૂ.2500 અને વાહન મળી કુલ રૂ.13,46,888ના મુદ્દામાલ સાથે ઝડપાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

ભાજપનાં આગેવાનો બુટલેગર નિકળતા ચર્ચાનો વિષય

ચોટીલા પંથકમાં વધતી અસામાજીક પ્રવૃત્તિઓમાં ભાજપનાં આગેવાનોની સંડોવણી ખુલી રહી છે. થોડા દિવસો પહેલા જ ભાજપનાં તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ અને વર્તમાન મહિલા સદસ્યનાં પતિ એવા જીવણભાઇ મકવાણા 2023માં ઝડપાયેલા કુટણખાનાનાં ગુના સબબ 573 દિવસ બાદ નાટયાત્મક થોડા દિવસ પૂર્વે પકડાઈ જેલ હવાલે થયા બાદ ઇંગ્લીશ દારૂનાં કટીંગનાં જથ્થા પૈકી 1128 નંગ બોટલો બે વાહનો સાથે તેમનો પુત્ર સુરેશ મકવાણા ઝડપાયો છે.

તેમજ વિજીલન્સનાં ચાલુ કટીંગ માં કટીંગ કરાવનાર મુખ્ય બે ભાઇઓ પૈકી ચતુર ભાઇ પરાલીયા પણ તાલુકા પંચાયતનાં ભાજપ સદસ્ય છે ત્યારે રાજકારણના ઓથમાં વિસ્તારમાં દારૂનું નેટવર્ક અને અસામાજિક પ્રવૃતિ ફૂલીફાલી હોવાની ચર્ચા એ જોર પકડયું છે.

આરોપીઓ વિરુદ્ધ અનેક ગુનાઓ પોલીસ ચોપડે

રાજુભાઇ પરાલીયા સામે જુદા જુદા પોલીસ મથકોમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય ગોંડલ તાલુકા, ચોટીલા અને નાનીમોલડી તેમજ સાયલા તાલુકા જેવા પોલીસ સ્ટેશનોમાં નવ જેટલા પ્રોહીબિશનનાં ગુના માં સંડવણીનો રેકોર્ડ ઉપર બોલે છે.

ચોટીલા તાલુકા પંચાયતનાં વર્તમાન સદસ્ય ચતુરભાઇ પરાલીયા વિરૂધ્ધ નાની મોલડી અને રાજકોટ શહેર પોલીસમાં બે પ્રોહીબિશન એક જુગારધારા સહિત ત્રણ ગુનાઓ બોલે છે.

નવા ગામ રાજકોટના રાહુલ ઉર્ફે ઢબુ ભુપતભાઇ ઉર્ફે હેમંતભાઇ બાબરીયા વિરૂદ્ધ 3 પ્રોહીબિશનનાં 3 ગુના મળી 4 જેટલા કેસમાં ડીસીબી અને કુવાડવા રોડ પોલીસ મથકમાં હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.



Google NewsGoogle News