Get The App

પ્લાયવુડની આડમાં ધુલિયાથી ગાંધીધામ લઈ જવાતો અડધા કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાયો

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
પ્લાયવુડની આડમાં ધુલિયાથી ગાંધીધામ લઈ જવાતો અડધા કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાયો 1 - image


Vadodara : પ્લાયવુડની આડમાં વડોદરા થઇને ગાંધીધામ ડિલિવરી કરતા જતો દારૂનો મોટો જથ્થો ભરેલ ટ્રક જિલ્લા એલસીબીએ ઝડપી પાડી એક શખ્શની ધરપકડ કરી હતી જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

એક ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને સુરત, ભરૂચ, વડોદરા હાઇ-વે પર થઇને અમદાવાદ તરફ જઇ રહ્યો છે. તેવી માહિતીના આધારે એલસીબીના સ્ટાફ દ્વારા આજોડ ગામની સીમમાં એક્સપ્રેસ-વેના ટોલનાકા ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા ચાલક તથા અન્યને શંકા જતા તેમણે ટ્રકને દુર ઉભી કરીને તેમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમની પાછળ એલસીબી ટીમે દોડી એકને દબોચી લીધો હતો. જ્યારે અન્ય ભાગી જવામાં સફળ રહ્યા હતા.

પોલીસે ઝડપેલા શખ્સનું નામ પૂછતા દેવીલાલ ટીલારામજી પટેલ (રહે. નવલસિંહજી કાગુડા, ઉદેપુર, રાજસ્થાન) હોવાનું અને તે ડ્રાઇવર હોવાનું જણાવ્યું હતું. અને ભાગી જનાર લાલસીંગ દેવડા રાજપુત હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં મૂકેલા માલ અંગે પુછતા તેણે પ્લાયવુડ હોવાનું જણાવ્યું હતું. બાદમાં ટ્રકમાં તપાસ કરતા પ્રથમ પ્લાયવુડ નજરે પડ્યું હતું. તેને હટાવીને જોતા દારૂનો જંગી જથ્થો મળ્યો હતો.

દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે ડ્રાઇવરને પુછતા તેણે જણાવ્યું કે, લાલસીંગે એક મોબાઇલ નંબર આપ્યો હતો. તેનો સંપર્ક કરતા તેણે ધૂલિયા ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું. ત્યાં પહોંચીને સંપર્ક કરતા તેઓને ઓરંગાબાદ બાયપાસ પાસે ટ્રક આપી હતી. તેની સાથે પ્લાયવુડની બીલ અને બિલ્ટી છે. ટ્રક લઇને ગાંધીધામ જવાનું જણાવ્યું હતું. જેથી તેઓ ધૂલિયાથી નીકળીને સારકીઘાટ, નવાપુરા, સોનગઢ, વ્યારા, સુરત, ભરુચ, વડોદરા થઇને આવ્યા હતા. રસ્તામાં તેમને વોટ્સએપ ફોન કરીને શખ્સ લોકેશન પુછતો હતો. અને માર્ગદર્શન આપતો હતો.

પોલીસે રૂ.57.75 લાખનો દારૂ, ફોન, પ્લાયવુડ, ટ્રક સહિત કુલ રૂ.74.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને દેવીલાલ ટીલારામજી પટેલ (રહે. નવલસિંહ જી કા ગુડા, રાજસ્થાન), લાલસીંગ રાજપુત (રહે. ઉદેપુર) અને બે અજાણ્યા શખ્સો સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે. આ મામલે દેવીલાલ સિવાયના તમામને વોન્ટેડ જાહેર છે.


Google NewsGoogle News