વાડી પોલીસની હદમાં ખુલ્લેઆમ વેચાતો દારૃ
એલ.સી.બી.એ રેડ કરતા વાડી પોલીસ ઊંઘતી ઝડપાઇ : આરોપી ફરાર
વડોદરા,વાડી પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ જાહેરમાં દારૃ વેચાઇ રહ્યો છે. વાડી પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી નહી ંકરવામાં આવતા ગઇકાલે મોડીરાતે જાહેરમાં દારૃ વેચતા આરોપીની ત્યાં એલ.સી.બી. દ્વારા રેડ પાડવામાં આવી હતી.
રણમુક્તેશ્વર મહાદેવ મંદિરની બાજુની ગલીમાં રહેતો વિક્રમસિંહ ઉર્ફે વિક્કી દિપસિંહ રાઠોડ વિદેશી દારૃનો જથ્થો લઇને તેના ઘર પાસે ખુલ્લી જગ્યામાં વેચાણ કરવા માટે બેઠો હોવાની માહિતી એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમને મળી હતી.જેથી, પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા વિક્રમસિંહ દારૃ મૂકીને ભાગી ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૃની ૨૬ બોટલ કિંમત રૃપિયા ૩ હજારની કબજે કરી છે. ઉલ્લેખનીય છે કે, આ સ્થળે અગાઉ પણ દારૃના કેસ થયા છે. તેમ છતાંય વાડી પોલીસ દ્વારા નજરઅંદાજ કરવામાં આવતું હતું. અગાઉ પણ પ્રતાપનગર વિસ્તારમાં પીસીબીએ જુગારનો કેસ કર્યો હતો. બ્રાંચ દ્વારા વાડી પોલીસ સ્ટેશનમાં રેડ પાડવામાં આવે છે. પરંતુ, સ્થાનિક પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે વાડી વિસ્તારમાં દારૃ,જુગારના ધંધા વધી ગયા છે.