ચંડીગઢથી વાયા સુરત થઈ દારૂની હેરાફેરી: વરણામાં હાઇવે પરથી ટેમ્પો ઝડપાયો
કરજણથી વડોદરા તરફના નેશનલ હાઇવે પર જિલ્લા પોલીસે વોચ ગોઠવી એક ટેમ્પામાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે હરિયાણા પાસિંગનો એક ટેમ્પો દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી વડોદરા તરફ આવી રહ્યો છે અને હાલ કરજણ ટોલનાકુ પાસ કરી ચૂક્યો છે જેના પગલે પોલીસે પોર પાસે ખાલસા હોટલની સામે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકી ટેમ્પામાં તપાસ હાથ ધરી હતી. ટેમ્પાની ઉપર તાડપત્રી બાંધેલી હોવાથી તેને હટાવીને જોતા નીચે દારૂની બોટલો ભરેલી પેટીઓ જણાઈ હતી. પોલીસે 11.52 લાખ કિંમતની 6120 નંગ બોટલો, એક મોબાઈલ, ટેમ્પો મળી કુલ 21.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે ટેમ્પાના ચાલક ગીદરસિંઘ નછત્તરસિંગ મજબીસખ (રહે નિધાનવાલા તાલુકો જીલ્લો મોગા, પંજાબ)ની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા અંબાલામાં રહેતો લાલા નામના શખ્સે અંબાલા ચંડીગઢ રોડ ઉપર દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો આપ્યો હતો અને વડોદરા નજીક પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું આ અંગે પોલીસે વરણામાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.