હોળી-ધૂળેટી માટે દારૂની રેલમછેલ : કાપોદ્રામાં તબેલામાં દૂધને બદલે દારૂ મળ્યો
સ્ટેટ મોનીટરીંગ સેલનો છાપો
ખેતીની જમીન ભાડેથી રાખનારે તેના પર બનાવેલા તબેલાની બે રૂમ બનાવી 17,421 બોટલનો સંગ્રહ કર્યો હતો, કાર્ટીંગ કરાયેલી 2015 બોટલ પણ પકડાઈ
- સ્ટેટ મોનીટરીંગ સેલનો છાપો
- ખેતીની જમીન ભાડેથી રાખનારે તેના પર બનાવેલા તબેલાની બે રૂમ બનાવી 17,421 બોટલનો સંગ્રહ કર્યો હતો, કાર્ટીંગ કરાયેલી 2015 બોટલ પણ પકડાઈ
સુરત, : સુરતના કાપોદ્રા બાલમુકન્દ સોસાયટી અને મારુતી નંદન સોસાયટીની બાજુમા આવેલી ખેતીની જમીનમાં આવેલા તબેલામાં સ્ટેટ મોનીટરીંગ સેલે ગતરોજ રેડ કરતા ત્યાંથી દૂધને બદલે દારૂ મળ્યો હતો.સ્ટેટ સેલે મોનીટરીંગ સેલે તબેલામાં બનાવેલી બે રૂમમાંથી રૂ.33.11 લાખની મત્તાની દારૂની 17421 બોટલ સાથે કામરેજના બુટલેગર અને ખેતીની જમીન ભાડેથી રાખી તેના પર બનાવેલા તબેલાની બે રૂમ ભાડે આપનારને ઝડપી પાડી પુછરપરછ બાદ ટેમ્પોમાં વગે કરાતી દારૂની રૂ.4.28 લાખની મત્તાની બીજી 2015 બોટલ કબજે કરી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનીટીરીંગ સેલના પીએસઆઈ વી.એ.શેખ અને ટીમે ગત સવારે પાસોદરા હોમ ટાઉનશીપ વિભાગ 5 એ/33 જી-04 માં રહેતા 34 વર્ષીય હર્ષદભાઈ ઉર્ફે ભરતભાઈ બાબુભાઈ આંબલીયા ( પટેલ ) ની અને કામરેજ કડોદરા વરીયાવા શેરી મકાન નં.70/2 માં રહેતા 35 વર્ષીય નિતીન ગુલાબભાઈ ઈડરીયા ( કોળી ) ની તેમના ઘરેથી અટકાયત કરી બાદમાં હર્ષદભાઈએ ભાડે રાખેલી કાપોદ્રા બાલમુકન્દ સોસાયટી અને મારુતી નંદન સોસાયટીની બાજુમાં આવેલી રમેશભાઈ પટેલની ખેતીની જમીનમાં બનાવેલા તબેલામાં તપાસ કરી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલને તબેલામાં બનાવેલા બે રૂમમાંથી રૂ.33,10,638 ની મત્તાની દારુની 17421 બોટલ મળી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાંથી દારૂ ઉપરાંત બે મોબાઈલ ફોન, રોકડા રૂ.1 હજાર મળી કુલ રૂ.33,26,638 નો મુદ્દામાલ કબજે કરી હર્ષદભાઈ અને નિતીનની ધરપકડ કરી હતી.
તેમની પુછપરછ કરતા હર્ષદભાઈએ ભાઈ લલિતે તેમના કેટરર્સના ધંધા માટે પુણાગામ પારેખપાર્ક સોસાયટીમાં રૂમ ભાડે રાખ્યો હોય અને ત્યાં દારૂ છુપાવ્યાંની કબૂલાત કરતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ તેમને સાથે રાખી પારેખપાર્ક સોસાયટી પહોંચી હતી.જોકે, રેડની જાણ થતા લલિત ત્યાંથી દારૂ ટેમ્પોમાં ભરીને ભાગતો હોય તે પોલીસને જોઈને ટેમ્પોમાંથી ઉતરી મોપેડ પર કોઈકની સાથે ભાગી ગયો હતો.સ્ટેટ મોનીટરીંગ સેલે ટેમ્પો ( નં.જીજે-05-સીયુ-3812 ) ના પાછળના ભાગે તાડપત્રી હટાવી ચેક કરતા તેમાંથી રૂ.4,28,141 ની મત્તાની દારૂની 2015 બોટલ મળી હતી.સ્ટેટ મોનીટીરીંગ સેલે ટેમ્પોમાંથી દારૂ ઉપરાંત બે મોબાઈલ ફોન, ટેમ્પો વિગેરે મળી કુલ રૂ.5,84,141 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.સ્ટેટ મોનીટરીંગ સેલે બંને સ્થળેથી રૂ.37,38,769 ની મત્તાની દારૂની કુલ 19436 બોટલ કબ્જે કરી હર્ષદભાઈ અને નિતીનની ધરપકડ કરી આ અંગે કાપોદ્રા અને પુણા પોલીસ મથકમાં બે અલગ અલગ ગુના નોંધાવી હર્ષદના ભાઈ લલિત બાબુભાઇ આંબલીયા ( રહે.રામદેવ સોસાયટી, જૂની શક્તિવિજય સોસાયટી પાછળ, હીરાબાગ, સુરત ), દમણથી દારૂ મોકલનાર કૈલાશ બિહારી, દારૂ મંગાવનાર કડોદરાના મનીષ વ્યાસ અને ટેમ્પો માલિકને વોન્ટેડ જાહેર કર્યા છે.
ચાર મહિના પહેલા દોઢ વીંઘાનું ખેતર રૂ.31 હજારમાં ભાડે લીધું હતું, તબેલો બનાવી 20 ભેંસ અને 20 ગાય રાખી હતી
ઝડપાયેલા હર્ષદભાઈ ઉર્ફે ભરતભાઈ આંબલીયાની સ્ટેટ મોનીટરીંગ સેલે પુછપરછ કરતા વધુમાં જાણવા મળ્યું હતું કે તેમણે ચાર મહિના પહેલા અશોકભાઈ પટેલનું દોઢ વીંઘાનું ખેતર તેમના ભાગીદાર અશોકભાઈ પાસે રૂ.31 હજારના ભાડાથી મેળવી ત્યાં તબેલો અને રૂમ બનાવી 20 ભેંસ અને 20 ગાય રાખી હતી.સાથે તેમણે ભાઈ લલિતની સાથે મળી કરતા કેટરર્સના ધંધા માટે પુણા પારેખપાર્કમાં રૂમ પણ ભાડે રકહિ હતી.જોકે, છેલ્લા બે મહિનાથી આર્થિક તંગી અનુભવતા હોય તેમણે નીતિનને હોળી-ધુળેટીના તહેવાર માટે સુરત શહેર અને જીલ્લામાં દારૂ સપ્લાય કરવા માટે તબેલાની બે રૂમ રૂ.30 હજાર અને પારેખપાર્ક સોસાયટીની રૂમ રૂ.15 હજારના ભાડાથી આપી હતી.દમણનો કૈલાશ બિહારી નિતીનના કહ્યા મુજબ દારૂનો જથ્થો આપી જતો હતો અને તેની નિતીન પાસેથી મનીષ વ્યાસ વેચવા લઈ જતો હતો.નિતીન વિરુદ્ધ સરથાણા અને કામરેજમાં દારૂના કેસ થયા છે.જયારે હર્ષદભાઈ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ખોટા દસ્તાવેજ ઉભા કરી બળજબરીથી કઢાવી લેવાની એક ફરીયાદ વર્ષ 2018 માં નોંધાઈ હતી.