સેલવાસથી સુરત તરફ ટેમ્પોમાં ભરીને લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ બોરીયાચ ટોલનાકાથી ઝડપાયો
Navsari Liquor Smuggling : નવસારી નજીક ને.હા નં-48 પર આવેલા બોરીયાચ ટોલનાકા પરથી એલસીબી પોલીસે બાતમી આધારે સેલવાસ થી સુરત તરફ ટેમ્પોમાં ઓઇલ પેન્ટ કલરના બોક્સની આડમાં છૂપાવીને સગેવગે થતો રૂ.4.1 લાખનો વિદેશી દારૂ ઝડપી પડ્યો હતો. પોલીસે ટેમ્પો ડ્રાઈવર ખેપીયાની ધરપકડ કરી છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર સેલવાસના બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે. અને ટેમ્પો, દારૂ અને ઓઇલ પેન્ટ કલરના બોક્સ મળી કુલ રૂ.16.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
નવસારી એલસીબી પીઆઇ વિજય જાડેજા અને ટીમ મિલકત સંબંધી ગુનાઓ અને પ્રોહિબીસન પ્રવુતિ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને મળી હતી કે દાદરા નગર હવેલી સેલવાસથી એક આઇસર ટેમ્પો (નં ડી.ડી.03-કે.9680)માં મંજુશ્રી ટેકનોપેક લિમિટેડ કંપનીના એશિયન પેઇન્ટ કલર ભરવાના પ્લાસ્ટિકના બોટલોના બોક્સના અડમાં છુપાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને સુરત તરફ લઈ જનાર છે. જે બાતમી આધારે એલસીબી પોલીસે નવસારી નજીક બોરીયાચ ટોલનાકા ને.હા નં 48 પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ, વ્હિસ્કી, વોડકા, રમ બ્રાન્ડની નાની મોટી કુલ 2190 નગ બોટલો કિંમત રૂ.4.1 લાખથી વધુની મળી આવી હતી. પોલીસે ટેમ્પો ડ્રાઈવર ખેપિયો મુકેશ છગનભાઈ વળવી (રહે ખરડપાડ નરોલી દાદરા નગર હવેલી સેલવાસ) ની ધરપકડ કરી હતી. અને દારૂ અંગે પૂછપરછ કરતા સેલવાસ દાદરા નગર હવેલીના ખરડપાડા ગામના બુટલેગર જીગર દિલીપભાઈ ભંડારી અને સેલવાસના હાર્દિક નામના બુટલેગરે સપ્લાય કર્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે દારૂ અને દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ રૂ.10 લાખનો ટેમ્પો, એશિયન પેઈન્ટસ કલરના કુલ 175 બોક્ષ કિંમત રૂ.2.11 લાખથી વધુ અને એક મોબાઇલ રૂ.10 હજારનો મલાઈ કુલ રૂ.16.23 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે રૂરલ પોલીસમાં ગુજરાત પ્રોહિબીસન એકટ હેઠળ ટેમ્પો ડ્રાઈવર ખેપિયો મુકેશ વળવી અને દાદરા નગર હવેલી સેલવાસના બે બૂટલેગરો સહિત ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.