Get The App

ઓક્સિજન ટેન્કરની આડમાં લઈ જવાતો 33 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
ઓક્સિજન ટેન્કરની આડમાં લઈ જવાતો 33 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો 1 - image


ઉમરાળા બસ સ્ટેશન પાસેથી એલસીબીએ મોડી રાતે દારૂનો જથ્થો ઝડપ્યો

દારૂની ૧૫,૧૨૬ બોટલ,બિયરના ૨,૦૧૬ ટીન અને ટેન્કર સહિત રૂ.૫૩.૧૮ લાખના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો ઃ જથ્થો આપનાર  સહિત ચાર સામે ફરિયાદ 

ભાવનગર: હરિયાણાથી ઓક્સિજન ટેન્કરમાં મસમોટો વિદેશી દારૂનો જથ્થો ભરીને દારૂની ડિલિવરી આપવા જઈ રહેલા રાજસ્થાનના શખ્સને લોકલ ક્રાઈમબ્રાંચ ભાવનગરની ટીમે ગત મોડી રાત્રે ઉમરાળા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈ ૧૫ હજારથી વધારે વિદેશી દારૂની બોટલ અને બે હજારથી વધારે બિયરના ટીન મળી કુલ રૂ.૫૩.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને બનાવ સંદર્ભે ઉમરાળા પોલીસ મથકમાં ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પાલિતાણા ડિવિઝન વિસ્તારમાં ગત મોડી રાત્રે પેટ્રોલિંગમાં રહેલી ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, વિદેશી દારૂ ભરલું એચઆર-૬૫-એ-૦૪૯૭ નંબરનું સફેદ કલરનું ટેન્કર વલ્લભીપુર તરફથી આવી રહ્યું છે. જેના આધારે ઉમરાળા બસ સ્ટેન્ડ નજીક વૉચમાં રહેલી લોકલ ક્રાઈમબ્રાંચની ટીમે બાતમીવાળા ટેન્કરને અટકાવી તપાસ કરતા તેમાં દારૂ ભરેલો હોવાથી ટેન્કર ઉમરાળા પોલીસ મથકે લાવી વિસ્તૃત તપાસ કરતા ઓક્સિજન ટેન્કરની આડમાં છૂપાવેલી રૂ.૩૩,૦૩,૨૪૦ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૫,૧૨૬ બોટલ તથા ૨૦૧૬ બિયરના ટીન મળી કુલ રૂ.૫૩,૧૮,૨૪૦નો પ્રોહિ. મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે લોકલ ક્રાઈમબ્રાંચે ટેન્કર ચાલક કરનારામ જયરૂપારામ કાલર (રહે.ગાંધવકલા તા.ગુડામાલાની જી.બાડમેર, રાજસ્થાન) ને ઝડપી લઈ દારૂના જથ્થા અંગે પુછતા ટેન્કર ચાલકે કબુલાત આપી હતી કે, આ ટેન્કર રાજેશ આશુરામ રાણા (રહે.બાબેર, કુરુક્ષેત્ર, હરિયાણા) વાળાની માલિકીનું છે અને અને દારૂનો જથ્થો રાજુ જાટ (રહે.હનુમાનગઢ, રાજસ્થન)એ ભરીને આપ્યો છે અને આ રાજુ તેને મોબાઈલમાં લોકેશન મોકલતો રહેતો હતો અને તેના આધારે દારૂ લેનાર પાર્ટીને આ જથ્થો આપવા જતો હોવાની કબુલાત આપતા લોકલ ક્રાઈમબ્રાંચે ઉમરાળા પોલીસ મથકમાં ટ્રકના ચાલક કરનારામ જયરૂપારામ કાલર (રહે.ગાંધવકલા તા.ગુડામાલાની જી.બાડમેર, રાજસ્થાન), રાજેશ આશુરામ રાણા, રાજુ જાટ અને દારૂની ડિલિવરી લેનાર અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બીજીવાર આવી રીતે ડિલિવરી આપવા આવ્યો હતો

દારૂબંધીની વાતો વચ્ચે ભાવનગર સહિત સંમગ્ર રાજ્યમાં છાના ખૂણે સરજાહેર દારૂ મળે છે તે વાત હવે છૂપી રહી નથી. જો કે, ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા નીતનવા કીમિયા કરવામાં આવે છે પરંતુ, એક યા બીજી રીતે તે આબાદ ઝડપાઈ જાય છે તે પણ હકિકત છે. આવીજ એક ઘટનામાં ભાવનગર લોકલ ક્રાઈમના હાથે એક્સિજન ટેન્કરમાં દારૂ સાથે ઝડપાયેલો આરોપી આ પ્રકારે બીજી વખત ગુજરાતમાં દારૂની ડિલિવરી આપવા આવ્યો હોવાની અને પોલીસના હાથે ઝડપાઈ ગયાની કબૂલાત આપી હતી.  અગાઉ આ જ ઓક્સિજન ટેન્કરમાં તે મહેસાણા વિસ્તારમાં દારૂની ડિલિવરી આપી ચુક્યો હોવાનું પોલીસ પૂછપરછમાં કબૂલાત કરતાં જણાવ્યું હતું. 

ટેકનોલોજીનો દૂરૂપયોગ : જીપીએસ ટ્રેકરથી સપ્લાઈ કરવાનો પ્લાન નિષ્ફળ 

બૂટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે રોજ નવા પ્રયોગ સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  એક સ્થળેથી બીજા સ્થળે દારૂ સપ્લાઈ થતો હોય ત્યારે જો વાહન કે દારૂનો જથ્થો ઝડપાય તો પાલીસ તેના મૂળ સુધી પહોંચી ન શકે તે માટે બૂટલેગરો દ્વારા નવી કીમિયો અજમાવાયો હોવાનું આજે ઝડપાયેલાં ટેન્કર પરથી જાહેર થયું હતું.જેમાં દારૂ મોકલનાર બૂટલેગેર ટેન્કરને જીપીએસથી  વાહનને ટ્રેક કરતો હતો અને આ દારૂનો જથ્થો કોને આપવાનો છે તેના માટે ફોનના માધ્યમથી આગળ ક્યાં જવું તે ડ્રાઈવરને જણાવતો હતો. જો કે, ઝડપાયા બાદ પણ ડ્રાઈવર દારૂ મોકલનાર અને લેનાર બન્નેથી અજાણ હોવાનો દાવો કરી રહ્યો છે. 


Google NewsGoogle News