શંકરપુરામાં દારૃના કટિંગ સમયે દરોડો ઃ ચાર શખ્સોની ધરપકડ
ડભોઇનો ધવલ જયસ્વાલ દારૃના ગુનામાં ફરાર છતાં ખુલ્લેઆમ દારૃનો ધંધો ઃ વિજિલન્સે રૃા.૨૩.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા, તા.20 વડોદરા નજીક શંકરપુરા ગામમાં મોટાપાયે ચાલતા દારૃના કટિંગ સમયે જ સ્ટેટ વિજિલન્સે દરોડો પાડીને દારૃનો જથ્થો અને વાહનો કબજે કરી નામચીન વિપુલ ચાવડા સહિત ચારને ઝડપી પાડયા હતાં જ્યારે બે શખ્સોને ફરાર જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા-ડભોઇ સ્ટેટ હાઇવે પર રતનપુરની સામેના રોડ પર શંકરપુરા ગામમાં દારૃનું કટિંગ થાય છે તેવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડી વિપુલ જશવંતસિંહ ચાવડા (રહે.ભાથીજી મંદિર પાસે, શંકરપુરા), ગૌતમસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (રહે.ભાથીજી મંદિર પાસે, શંકરપુરા), મિહિર ગીરીશ જયસ્વાલ (રહે.જૈન વગા, પંડયા શેરી, ડભોઇ) અને રવિ રમેશ વસાવા (રહે.મોટા ભીલવાડા, ડભોઇ)ને ઝડપી પાડયા હતાં.
પોલીસે સ્થળ પરથી દારૃની ૧૫૨૪ બોટલો, ચાર મોબાઇલ, ત્રણ વાહનો, રોકડ મળી કુલ રૃા.૨૩.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં દારૃનો જથ્થો મોકલનાર ધવલ રાજુ જયસ્વાલ(રહે.જૈન વગા, પંડયા શેરી, ડભોઇ) અને કપીલ (રહે.છતાલા, અલીરાજપુર, એમપી)નું નામ ખૂલતાં બંનેને ફરાર જાહેર કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે ડભોઇના જૈન વગામાં રહેતો નામચીન બૂટલેગર ધવલ જયસ્વાલ ફરાર હોવા છતાં તે બિન્ધાસ્ત દારૃનો વેપલો કરતો હતો. બે સપ્તાહ પહેલાં જ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા-સાગબારારોડ પર દારૃનો જથ્થો ભરેલો એક ટેમ્પો ઝડપાયો હતો જેમાં ધવલ જયસ્વાનું નામ ખૂલ્યું હતું અને આ કેસમાં હજી પણ તે વોન્ટેડ છે.