દુધીની થેલીઓની નીચે છુપાવેલા દારૃના જથ્થા સાથે એક ઝડપાયો
ગાડી, મોબાઇલ સહિત કુલ રૃા.૨૦.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
વડોદરા, તા.3 વેમાલી ગામની સીમમાં એક પાર્કિગમાં પાર્ક કરેલી આઇસર ગાડીમાં દૂધીની થેલીઓની આડમાં છુપાવેલા દારૃના મોટા જથ્થા સાથે એકની ધરપકડ કરી કુલ રૃા.૨૦.૭૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે વેમાલી ગામની સીમમાં આવેલા સિધ્ધાર્થ એનેક્ષર નામની સાઇટના પાર્કિગમાં એક આઇસર ગાડી ઊભી છે અને તેમાં દારૃનો જથ્થો ભર્યો છે તેવી માહિતીના આધારે મંજુસર પોલીસે તપાસ કરતાં ગાડી મળી હતી પરંતુ ડ્રાઇવર જણાયો ન હતો જ્યારે એક શખ્સ વરદીચંદ હિરાલાલ ભીલ (રહે.રાવલી મંગરી, તા.ડુંગલા, જિલ્લો ચિત્તોડગઢ, રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો.
પોલીસે ગાડીમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના થેલાઓમાં દૂધીની થેલીઓ ભરેલી હતી જેને હટાવીને જોતાં નીચે દારૃ અને બીયરનો જથ્થો મળ્યો હતો. પોલીસે રૃા.૧૫.૬૬ લાખનો દારૃ, દૂધીની થેલીઓ, આઇસર ગાડી, એક મોબાઇલ મળી કુલ રૃા.૨૦.૭૧ લાખનો મુદ્દામાલ મળતાં કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.