Get The App

સિંહોએ ગૌવંશનો શિકાર કર્યો, ધણખુંટે સામનો કરી મારણ પરથી ભગાડયા

Updated: Mar 29th, 2025


Google News
Google News
સિંહોએ ગૌવંશનો શિકાર કર્યો, ધણખુંટે સામનો કરી મારણ પરથી ભગાડયા 1 - image


જૂનાગઢના વાડલા ફાટકની સોસાયટીના છેડે ઘટના બની  રહેણાંક વિસ્તારમાં બનેલી ઘટનાને નજરે નિહાળનારા લોકોમાં આશ્ચર્ય, સાથીને બચાવવા પશુના મરણીયા પ્રયાસ

જૂનાગઢ, : જૂનાગઢના છેવાડે વાડલા ફાટકની સોસાયટીના છેડે આજે વહેલી સવારે બે સિંહ આવી ચડયા હતા. સિંહોએ બે ગૌવંશના શિકાર કરતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. સિંહોએ ગૌવંશને શિકાર માટે પકડતા બે ધણખુંટે તેના ગુ્રપના ગૌવંશને બચાવવા માટે હિંમતભેર સિંહનો સામનો કર્યો હતો પરંતુ સિંહોએ શિકાર કરવામાં સફળતા મેળવી હતી. બંને ધણખુંટે સિંહોને મારણ પરથી ભાગવા માટે મજબુર કરી દીધા હતા.

જૂનાગઢની ફરતી તરફની સોસાયટીઓમાં અવાર-નવાર સિંહો આવી ચડે છે. મધુરમ, વાડલા ફાટક, દોલતપરા, બિલખા રોડ પર રાજીવનગર સહિતના વિસ્તારોમાં સિંહો આવી ગૌવંશનો શિકાર કરવાની ઘટના રોજબરોજની બની ગઈ છે. આજે સવારે 6 વાગ્યે વાડલા ફાટક નજીકની રાધીકા રેસિડેન્સીમાં બે સિંહણો આવી ચડી હતી. સોસાયટીમાં ગૌવંશ આંટાફેરા કરતું હતું તેને શિકાર માટે મથામણ કરતા ચાલાકીપૂર્વક બે ગૌવંશને શિકાર બનાવવામાં સિંહોને સફળતા મળી હતી. સિંહોએ ગૌવંશ પર હુમલો કરતા તેની સાથેના ધણખુંટ સિંહોની સામે થઈ ગયા હતા. સિંહોએ ગૌવંશને ગળાના ભાગેથી પકડી મોતને ઘાટ ઉતારી દીધા હતા. સિંહો ગૌવંશનો શિકાર આરોગતા હતા ત્યારે ગૌવંશના ગુ્રપના ધણખુંટે સિંહની સામે હુંકાર કરી મારણ ઉપરથી ભગાડી દીધા હતા. મારણ ઉપરથી ભગાડતાની સાથે જ સિંહણ અન્ય એક નાના વાછરડાને પકડીને મારી નાખ્યું હતું ત્યાં પણ ધણખુંટ દોડી જઈ વાછડું લઈ ભાગતી સિંહણને મોંમાંથી વાછડું મુકાવી દીધુ હતું. આ સમગ્ર ઘટનાના વિડીયો સામે આવતા ધણખુંટની હિંમતને પણ લોકો દાદ દેતા હતા. ધણખુંટે હિંમતભેર તેમના સાથી ગૌવંશને બચાવવા માટેના સિંહો સામે મરણીયા પ્રયાસ કર્યા હતા.

Tags :