બરડાના સાતવીરડા નેશમાં એન્કલોઝરમાં રાખેલા સિંહ-સિંહણની કરાઇ પજવણી
વીડિયો વાયરલ થતાં વન વિભાગે તપાસ હાથ ધરી
જ્યાં મોબાઇલ લઇ જવાની પણ મનાઇ છે ત્યાં બે શખ્સો કઇ રીતે પહોંચ્યા ? પાંજરા સાથે લોખંડનો ઘોડો અથડાવી પજવણી
બનાવની વિગત એવી છે કે પોરબંદર સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં બરડા ડુંગરના સાત વીરડા નેશ ખાતે જ્યાં સિંહ-સિંહણોને એન્કલોઝરમાં રાખવામાં આવ્યા છે ત્યાં પાંજરાની અંદર સિંહણ આંટાફેરા કરી રહી છે અને એક ઇસમ લોખંડના ઘોડાને પાંજરામાં અથડાવીને સિંહણને ઉશ્કેરી રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે અને બીજો ઇસમ આ ઘટનાને મોબાઇલમાં શુટીંગ કરતો હોય તેવું જણાઇ રહ્યુ છે તેથી આ વીડિયો વાયરલ થતા જ અનેકવિધ ચર્ચાઓ જોવા મળી રહી છે અને વનવિભાગ પણ હરકતમાં આવી ગયું હતુંુ. કારણકે સાતવીરડા નેશ એ એવો વિસ્તાર છે કે જ્યાં સામાન્ય પબ્લીક પણ જઇ શકતી નથી અને મોબાઇલ લઇ જવાની તો સંપૂર્ણપણે મનાઇ છે. તેથી ત્યાં જઇને આ પ્રકારનો વીડિયો ઉતારવાની હિંમત કોણે કરી ?અને સિંહણને છંછેડવાની કોશિશ કોણ કરી રહ્યુ છે? તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
બીજી બાજુ આ મુદ્દે પોરબંદર વનવિભાગના ડી.સી.એફ. લોકેશ ભારદ્વાજે જણાવ્યુ હતુ કે વીડિયો વાયરલ થતા તપાસ શરૂ કરી દીધી છે. જ્યા વીડિયો દર્શાવવામાં આવી રહ્યો છે ત્યાં સુધી કોઇ પબ્લિક જઇ શકે તેમ નથી. હાલમાં રંગરોગાન સહિત સમારકામની કામગીરી અહીંયા ચાલુ છે તેથી ત્યાં કામ કરવા આવતા મજૂરોને પણ સ્પષ્ટ સૂચના છે કે મોબાઇલ લઇ જવો નહીં આમ છતાં ત્યાં સુધી મોબાઇલ લઇને જે ઇસમ પહોંચી ગયો છે તે કોણ છે અને તેની સાથે રહેલો શખ્શ કોણ છે? તે અંગેની અમે પણ તપાસ હાથ ધરી છે અને વનવિભાગના કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યંુ હતું.