અમરેલીમાં સિંહણે પાંચ વર્ષના બાળકને જડબામાં પકડીને લઇ જઇ કર્યો શિકાર, ત્રણ કલાક બાદ મળ્યા માત્ર અવશેષો
|
Lioness Hunted Five Year Old Child: અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા ગામમાં આવી જવા જાણે સામાન્ય થઈ ગયું છે. અત્યાર સુધી સિંહે પશુઓનો શિકાર કર્યો હોય, તેવા સમાચાર અવાર-નવાર સામે આવતા હોય છે. જોકે, સોમવારની (21 ઓક્ટોબરે) સાંજે સિંહણે એક પાંચ વર્ષના બાળકનો શિકાર કરતાં સમગ્ર જિલ્લામાં ચકચારી મચી ગઈ હતી.
શું હતી સમગ્ર ઘટના?
જાફરાબાદના નવી જીકાદરી ગામે સિંહણે એક પાંચ વર્ષના બાળકનો શિકાર કર્યો હતો. કપાસના વણમાંથી સિંહણ પાંચ વર્ષના બાળકને ઢસડીને લઈ ગઈ હતી. જિકાદ્રી ગામે લોકો કપાસ વીણતાં હતાં, ત્યાં આસપાસ બે બાળકો રમતા હતાં. તે સમયે એકાએક ત્રણ-ચાર વાગ્યાની આસપાસ સિંહણ આવીને ત્યાંથી પાંચ વર્ષના એક બાળકને બે ખેતર દૂર ઢસડીને લઈ ગઈ અને તેનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ગામના લોકોએ આવીને શોધખોળ કરી ત્યારે નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચોઃ પાટણમાં શાળાનો આચાર્ય બાળકીઓ સાથે કરતો હતો શારીરિક અડપલાં, ભૂલ સ્વિકારી માફી માંગી
વન વિભાગે સિંહણની તપાસ હાથ ધરી
વનવિભાગને આ વાતની જાણ થતાં આર.એફ.ઓ સહિતના અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ત્યારબાદ વનવિભાગ દ્વારા બાળકના મૃતદેહના અવશેષોને એકત્રિત કરી જાફરાબાદની હોસ્પિટલ મોકલાયા છે. આ સિવાય વન વિભાગે સિંહણની તપાસ હાથ ધરી તાત્કાલિક ધોરણે તેને શોધી પાંજરામાં પૂરવાની સૂચના આપવામાં આવી છે.
ગ્રામજનોમાં રોષ
સરપંચ લાલભાઈ બોરીયાએ આ વિશે આક્રોશ દર્શાવી વનવિભાગ પાસે સુરક્ષાની માગ કરી હતી. સરપંચે કહ્યું કે, 'અહીં જાણે ગામો સિંહ અને દીપડાનું ઘર બની ગયું છે. જેટલાં જંગલમાં નથી તેટલાં અહીં છે. આવામાં અમારે કામ કરવું કે ન કરવુ? આવા બનાવો તો હવે જાણે રોજ જ બનવા લાગ્યા છે. ત્યારે અમારી એક જ માગ છે કે, અહીંથી સિંહ તમે પાછા લઈ જાવ. સ્થાનિકના જણાવ્યા અનુસાર, સિંહ અને જંગલી પશુઓના ગામમા આવી જવાને લઈને વન વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં વન વિભાગના પેટનું પાણીય નથી હલતું.
વન વિભાગે કરી કાર્યવાહી
સમગ્ર ઘટનાને લઈ જાફરાબાદ રેન્જના આર.એફ.ઓ જી.એલ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. વાઘેલાએ જણાવ્યું કે, સિંહણ બાળકને લઈ ગઈ એવી જાણ થતાં જ તુરંત અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ, બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને સિંહણને પાંજરામાં પૂરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહણનું લોકેશન મળતાં જ તેને પાંજરે પૂરી દેવામાં આવશે.