અમરેલીના વડીયા પંથકમાં સિંહોની ઘૂસણખોરી વધી, પશુઓના મારણથી ખેડૂતોમાં ભયનો માહોલ
Lion in Amreli District: અમરેલી જિલ્લાના વડીયા પંથકના ખાખરિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી વન્યપ્રાણીઓ આંટાફેરા વધી ગયા છે. સિંહ ગમેત્યારે ગામ અને ખેતરોમાં ઘૂસીને પશુઓનું મારણ કરે છે. જેના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. રાત્રે ખેડૂતો ખેતરમાં પાણી વાળવા પણ નથી જઈ શકતા. તો પશુપાલકો પોતાના પશુની રક્ષા કરવાની ચિંતામા રાત્રે ઊંઘી પણ નથી શકતા. ત્યારે આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોએ સરકારને માગ કરી છે કે સિંહને ગામમાં ઘૂસતા રોકવામાં આવે કે પછી તેમને દૂર જંગલમાં ખદેડી દેવામાં આવે.
વન્ય પ્રાણીઓને જંગલ તરફ મોકલવા ખેડૂતોની માગ
ખાખરિયા ગામમાં રવિવારે (22મી ડિસેમ્બર) બાબુ ગોરસિયાના ખેતરમાં ત્રણ સિંહ ત્રાટક્યા હતાં અને પાંચ પશુમાંથી 3 પશુનું મારણ કર્યું હતું. ખેડૂતોના ઘર સમાન ખેતરમાં વન્ય પ્રાણીઓ આવીને પશુઓના મારણ કરે છે. ત્યારે સરકાર તરફથી પૂરતું વળતર ન મળતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.
આ ઘટના અંગે ખેડૂતોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને પશુઓના મૃતદેહોનું પંચનામું કર્યુ હતું. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોને કેટલું અને ક્યારે વળતર મળશે. નોંધનીય છે કે, સિંહ રેવન્યુ વિસ્તારોમાં ફરી રહ્યો છે અને ખેડૂતોના ખેતરોમાં પશુઓના મારણ કરી રહ્યા છે. જેને લઈને ખેડૂતોમાં ભયનો માહોલ છે. જેથી વન્ય પ્રાણીઓને જંગલ તરફ મોકલવા ખેડૂતોએ માગ કરી છે.