Get The App

આણંદમાં પાલિકાએ આયોજન વગર ડાઈવર્ઝન આપતા વાહનોની લાઈનો

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
આણંદમાં પાલિકાએ આયોજન વગર ડાઈવર્ઝન આપતા વાહનોની લાઈનો 1 - image


- અમૂલ ડેરીથી ગણેશ ચોકડી સુધી કામ શરૂ હોવાથી

- રેલવે ફાટકથી કાચા રસ્તા ઉપર થઈ સોસાયટીઓમાં ડાઈવર્ઝન આપી દેતા વાહન ચાલકો પરેશાન

આણંદ : આણંદ શહેરમાં અમૂલ ડેરીથી ગણેશ ચોકડી સુધી પુલનું કામ શરૂ થયું છે. પરંતુ પાલિકા દ્વારા હજારો વાહન ચાલકો માટે ડાઈવર્ઝનની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં ઉતાવળો નિર્ણય લેવાયો હોવાથી હજારો વાહન ચાલકો લાંબી કતારોમાં ફસાઈને પોતાનો કિંમતી સમય વેળફી રહ્યા છે. પાલિકા દ્વારા આયોજન વિના ડાયવર્ઝન આપી દેવાતા વાહન ચાલકોની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી ગઈ છે.

આણંદમાં અમૂલ ડેરી રોડથી ગણેશ ચોકડીના રસ્તા ઉપર પસાર થતી ખંભાત મેમુને કારણે રોજિંદા ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાતી હોય છે. જેના નિરાકરણ માટે અમૂલ ડેરીથી ગણેશ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરાયું છે પરંતુ, કામની શરૂઆતમાં ગણેશ ચોકડીથી આણંદ શહેરમાં પ્રવેશવા માટે રેલવે ફાટકની બાજુમાં ગણપતિ મંદિર જવાના કાચા રસ્તાથી સોસાયટીના રસ્તા ઉપર થઈને ડોક્ટર કુરિયન રોડ ઉપર જવા માટેનું ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. હાલ આ ડાઈવર્ઝનવાળો રસ્તો કાચો માટી અને ઊંડા ખાડાવાળો છે. જેથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. રેલવે ફાટક સુધી વાહનોની લાઈનો થઈ જતી હોય છે. છેક ગણેશ ચોકડી સુધી લાંબી કતારો જોવા મળી રહી છે. ઉપરાંત સોસાયટીમાંથી પસાર થતો રોડ ખૂબ જ સાંકડો હોવાથી બે વાહન પણ જઈ શકે તેમ નથી જેને કારણે ટ્રાફિક સમસ્યા હલ થવાને બદલે ખૂબ જ વકરી છે.

અમૂલ ડેરી રોડ ઉપર હાલ બે બાજુ પતરાં મારી દેવામાં આવ્યા છે. જેથી ડેરી સાઈડ બાજુ ગટરોના ઢાંકણા બરાબર ગોઠવાયેલા ન હોવાથી ચાર દિવસ અગાઉ ટ્રક ગટરના ખાડામાં ફસાતા રસ્તો બંધ રાખવાની ફરજ પડી હતી. હજૂ ગટરના ઢાંકણા મજબૂત બનાવવાના અને રોડનું લેવલ કરવાની કામગીરી પૂરી કરવામાં આવી નથી. જેથી પુલની બંને સાઈડના સવસ રોડ શરૂ કરવામાં આવ્યા નથી. જેને કારણે ગણેશ ચોકડીથી આણંદ શહેરમાં પ્રવેશવા માટે આખો દિવસ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.


Google NewsGoogle News