Get The App

પરિક્રમા દરમિયાન હૃદય થંભી જતાં આઠ યાત્રિકોના મોત, 'ઝડપથી યાત્રા પૂર્ણ કરવાનું ન લો જોખમ'

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
પરિક્રમા દરમિયાન હૃદય થંભી જતાં આઠ યાત્રિકોના મોત,  'ઝડપથી યાત્રા પૂર્ણ કરવાનું ન લો જોખમ' 1 - image


Lili Parikrama : જૂનાગઢના ગિરનારની પરિક્રમાના બે દિવસ દરમિયાન રાજકોટના ત્રણ સહિત કુલ આઠ યાત્રિકોના હાર્ટ એટેકથી મોત થયા હતા. આ બનાવથી સાથે આવેલા યાત્રિકોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.

સોમવાર સવારથી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. લાખો લોકો પરિક્રમા કરવા ઉમટી પડયા છે. સોમવાર સાંજ સુધીમાં ચાર યાત્રિકના હાર્ટએટેકથી મોત થયા હતા. જેમાં રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા મુળજીભાઈ રૂડાભાઈ લોખીલ (ઉ.વ.66)નું માળવેલા ઘોડી નજીક, જસદણ તાલુકાના નવાગામના પરષોત્તમભાઈ જગદીશભાઈ ભોજાણી (ઉ.વ.50)નું ભવનાથ તળેટીમાં, અમરસરના હમીરભાઈ સોદાભાઈ લમકા (ઉ.વ.65)નું ભવનાથ તળેટીમાં, દેવડાના રસિકલાલ ભોવાનભાઈ ભરડવા (ઉ.વ.62)નું ઈટવા ઘોડી પાસે હાર્ટએટેકથી મોત થયું હતું.

જ્યારે  મંગળવારે રાજકોટના મનસુખભાઈ મોહનભાઇ (ઉ.વ.70)નું જીણાબાવા મઢી પાસે, ગાંધીધામના આલાભાઈ ગોવિંદભાઇ ચાવડા(ઉ.વ.50)નું 11 નંબર ચેકપોસ્ટ પાસે અને રાજકોટના સોરઠીયા પ્લોટ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ડાયાભાઇ સિંધવ (ઉ.વ.54)નું સરકડીયા પાસે એટેક આવવાથી મોત થયુ હતું. ગત વર્ષે સમગ્ર પરિક્રમા દરમ્યાન પાંચ યાત્રિકના મોત થયા હતા. જ્યારે આ વર્ષે બે દિવસમાં જ પરિક્રમા કરવા આવેલા સાત યાત્રિકોએ રૂટ પર અને તળેટીમાં અંતિમ શ્વાસ લીધો હતો.

પરિક્રમા દરમિયાન હૃદય થંભી જતાં આઠ યાત્રિકોના મોત,  'ઝડપથી યાત્રા પૂર્ણ કરવાનું ન લો જોખમ' 2 - image

આ પણ વાંચો: જય ગિરનારીના નાદથી ગૂંજ્યો લીલી પરિક્રમાનો રૂટ, અન્નક્ષેત્રો સહિત 10 હંગામી દવાખાના, 16 એમ્બ્યુલન્સ ખડે પગે

અનેક વિખુટા પડી ગયેલા યાત્રિકોનું વાયરલેસના માધ્યમથી મિલન

ગિરનાર પરિક્રમા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા છે. રૂટ પર માનવમેદનીમાં અનેક લોકો તેના સહયાત્રીઓથી વિખુટા પડી ગયા હતા. પોલીસ અને વનવિભાગની રાવટી પર સંપર્ક કર્યા બાદ વાયરલેસના માધ્યમથી વિખુટા પડી ગયેલા યાત્રીઓનું મિલન થયું હતું.

યાત્રાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હંગામી દવાખાના શરૂ કર્યાં

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે યાત્રાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 10 જેટલા હંગામી દવાખાના અને 16 મેડિકલ-પેરા મેડિકલ ટીમ થકી આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી.

પરિક્રમા દરમિયાન હૃદય થંભી જતાં આઠ યાત્રિકોના મોત,  'ઝડપથી યાત્રા પૂર્ણ કરવાનું ન લો જોખમ' 3 - image

આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમાનો મંગળવારથી થશે પ્રારંભ, એક દિવસ પહેલાથી જ ઉમટી પડી ભાવિકોની ભીડ

આ વિસ્તારોમાં મેડિકલ સુવિધા શરૂ

લીલી પરિક્રમામાં સરકડિયાના ઘોડી વિસ્તાર, માળવેલા વિસ્તાર, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, જીણાબાવાની મઢી, ભવનાથ અને ગિરનાર અંબાજીની ટૂંક, બળદેવી મંદિર, બોરદેવી વિસ્તાર વિસ્તારોમાં હંગામી દવાખાનાની વ્યવસ્થા કરાઈ. આ સાથે ભવનાથના નાકોડા ખાતે ઈમરજન્સી સારવાર માટે ICUની પણ સુવિધા કાર્યરત. તેમજ જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા ચોવીસ કલાક કંટ્રોલરૂમ પણ શરૂ કરાયો. 

લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભીડ જોવા મળે છે, ત્યારે યાત્રાળુઓને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે ભેસાણ તાલુકાના માલીડા પાસે, ડેરવાણ વિસ્તાર, ભવનાથ અને બીલખા પાસેના રામનાથ વિસ્તારોમાં 12 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

50થી વધુ અન્નક્ષેત્રો થયા ધમધમતા

લીલી પરિક્રમામાં આશરે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે, ત્યારે તેમના ભોજન-પ્રસાદ માટે પરિક્રમાના માર્ગ પર 50થી વધુ અન્નક્ષેત્રો ધમધમતા થયા છે. આ આયોજકો પાસેથી તેઓ પ્લાસ્ટિકનું પ્રદૂષણ નહીં કરે તેવી લેખિતમાં બાંહેધરી લેવામાં આવી છે. 



Google NewsGoogle News