મોટાભાઇ-ભાભીની હત્યા કેસના આરોપી નાનાભાઇને આજીવન કેદ
આરોપી માનસિક રીતે અસ્થિર હોવાનો બચાવ અદાલતે નકારી કાઢ્યો : સગીર પુત્રીની જુબાની તેમજ મૃતકનાં લોહીના ડાઘ આરોપીના કપડાં ઉપરથી મળી આવ્યા હોવાના આધારે સેશન્સ અદાલતનો ચુકાદો
રાજકોટ, : કચરો ફેંકવા બાબતે મોટાભાઇ અને સગર્ભા ભાભીની હત્યાના કેસમાં આરોપી નાનાભાઇને અહીંની સેશન્સ અદાલત દ્વારા આજે આજીવન કેદની સજા તથા રૂા. 15,000નો દડ ફટકારવામાં આવ્યો હતો.
આ કેસની વિગત એવી છે કે ગત તા. 16-6-13 ના રોજ રણછોડનગર શેરી નં. 21માં 'રાજ' નામના બેમાળીયા મકાનમાં ભોયતળિયે રહેતા આરોપી પ્રવિણ મણીલાલ મણીયાર પોતાના ભાઇ અરવિંદ મણીયાર સાથે રાત્રિના સુતા હતા મધ્ય રાત્રિએ ફરિયાદી અરવિંદને ઉપલા માળે દેકારો સંભળાયો હતો તેથી તેઓએ જાગીને જોયું તો આ સમયે તેના ભાઇ પ્રવિણના હાથમાં છરી હતી તેમજ તેનો ભાઇ હરેશભાઇ તરફડીયા મારતો હતો.
હરેશભાઇના પત્ની પણ લોહી લુહાણ હાલતમાં પડયા હતા આ સમયે હરેશભાઇએ જણઆવેલ કે પ્રવિણે તેઓને છરી મારી છે. આ ઘટના બાદ પ્રવિણ ત્યાંથી ભાગી ગયો હતો. 108 મારફતે ઇજાગ્રસ્ત હરેશભાઇ અને પૂજાબેનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બન્નેના મૃત્યુ થધયા હતા તેથી મૃતક હરેશભાઇના ભાઇ અરવિંદભાઇએ તેમના ભાઇ પ્રવિણ મણીયાર સામે ફરિયાદ નોંધાવી હતી. મૃતક હરેશભાઇ અને તેમના પત્ની પૂજાબેનની 8 વર્ષની પુત્રીએ પણ નિવેદન આપી તેમના માતા-પિતાની હત્યા આરોપી પ્રવિણ મણીયારે કરી હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં આરોપી પ્રવિણ મણીઆરના ભાઇઓ-બહેનો હોસ્ટાઇલ જાહેર થઇ હતી. પ્રવિણ મણીયારે પોતાના ભાઇ-ભાભીની હત્યા કર્યાનો ઇન્કાર કર્યો હતો ગુજરનાર દંપતિની સગીર પુત્રીએ જુબાની આપી સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું હતું
સરકાર પક્ષે સરકારી વકિલ શ્રી એસ.કે. વોરાએ જણાવ્યું હતું કે કાયદાની જોગવાઇ મુજબ આરોપી માનસિક રીતે અસ્થિર હોવાનો બચાવ ત્યારે જ થઇ શકે જ્યારે તેણે ખુન કર્યાનું કબુલવામાં આવતું હોય. હાલના કેસમાં આરોપી પાસે જે બચાવ લેવામાં આવેલ છે તે વિરોધાભાસી છે. ઉપરાંત તેની ઉંમર તપાસતાં આરોપી માનસિક રીતે અસ્થિર હતા તેવું જણાવવામાં આવ્યું હતું. આરોપીના કપડા ઉપર ગુજરનારનું લોહી આવેલ છે તે દર્શાવે છે કે ગુજરનાર દંપતિ હત્યા કરેલ છે વધુમાં સગીર પુત્રી હોસ્ટાઇલ જાહેર થઇ નથી. આ તમામ વિગતોને ધ્યાને લઇ આરોપીની માનસિક અસ્થિરતાનો બચાવ નકારી હત્યાના ગુના સબબ આજીવન સખત કેદની સજા અને રૂા. 15,000નો દંડ ફટકારવાનો આદેશ કર્યો હતો.