લિંબાયતમાં હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ, રૃા.50 હજાર દંડ
મોબાઈલ ચોરીના સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓએ પોલીસને બાતમી આપી હોવાના વહેમમાં યુવાનની જાહેરમાં હત્યા કરી હતી
સુરત
મોબાઈલ ચોરીના સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓએ પોલીસને બાતમી આપી હોવાના વહેમમાં યુવાનની જાહેરમાં હત્યા કરી હતી
લિંબાયત વિસ્તારમાં ચારેક વર્ષ પહેલાં પોલીસના બાતમીદાર હોવાની આશંકાના આધારે મરનાર ઈમરાન શાહ પર જાહેરમાં જીવલેણ હુમલો કરી હત્યા કરનાર બે મોબાઈલ ચોરીના એકથી વધુ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને આજે એડીશ્નલ સેશન્સ જજ આશીષ જે.એસ.મલ્હોત્રાએ ઈપીકો-302 તથા 34ના ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદ,રૃ.50 હજાર દંડ ન ભરે તો વધુ છ મહીનાની કેદની સજા ફટકારી છે.
લિંબાયત વિસ્તારમાં રહેતા ફરિયાદી સિકંદર રજાક શાહના મૃત્તક ભાઈ 31 વર્ષીય ઈમરાન શાહ ગઈ તા.18-6-2019ના રોજ લિંબાયત માર્કેન્ડેશ્વર મંદિર પાસે લારી પરથી નાસ્તો લેવા ગયા હતા.જે દરમિયાન મોબાઈલ ચોરીના એકથી વધુ ગુનામાં સંડોવાયેલા 26 વર્ષીય આરોપી વિનોદ સુભાષ મોરે(રે.નુરે ઈલાહી નગર મીઠીખાડી લિંબાયત ) તથા 19 વર્ષીય મુદ્દત્સર ઉર્ફે બાબુ બચકુંડા મોહમ્મદ વકીલ મન્સુરી(રે.રૃસ્તમપાર્ક સોસાયટી,લિંબાયત)એ ફરિયાદીના ભાઈ પોલીસના બાતમીદાર હોવાની આશંકાના આધારે લાકડાના ફટકા તથા ચપ્પુ વડે ઈમરાન શાહ પર જીવલેણ હુમલો કરીને સરેઆમ જાહેર રોડ પર હત્યા કરી હતી.
જે અંગે ફરિયાદીએ સિકંદર શાહે પોતાના મૃત્તક ભાઈ ઈમરાનની હત્યાના ગુનામાં સંડોવાયેલા ઉપરોક્ત બંને આરોપીઓ વિરુધ્ધ લિંબાયત પોલીસમાં ઈપીકો-302,114 તથા 34 અને જી.પી.એક્ટ-135ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.જેથી લિંબાયત પોલીસે હત્યાના ગુનાઈત કારસામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.ચારેક વર્ષ જુના હત્યા કેસની ન્યાયિક કાર્યવાહી દરમિયાન સરકારપક્ષે એપીપી કુ.વર્ષા પંચાલે મૂળ ફરિયાદી તરફે એરિકા હસમુખ લાલવાલા તથા તપાસ અધિકારીની લેખિત દલીલો તથા 18 સાક્ષી તથા 30 દસ્તાવેજી પુરાવા રજુ કરતા કોર્ટે બંને આરોપીઓને હત્યાના ગુનામાં દોષી ઠેરવ્યા હતા.જેથી આરોપીઓના બચાવપક્ષે જણાવ્યું હતું કે બંને આરોપીઓ યુવાન વયના તથા કુટુંબની ભરણપોષણની જવાબદારી હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીઓએ કાયદાના ભય વગર ઠંડા કલેજે જાહેરમાં હત્યા કરીને ગંભીર ગુનો આચર્યો હોઈ સમાજમાં દાખલો બેસે તે રીતે મહત્તમ સજા ફટકારવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપીઓને કોર્ટે હત્યાના ગુનામાં દોષી ઠેરવી આજીવન કેદ તથા 50 હજારનો દંડ ફટકાર્યો હતો.