પતિને જમીન પર પટકી ગળે ફાંસો આપી હત્યા કરનાર પત્નીને આજીવન કેદ
પહેલેથી જ નાપસંદ પત્નીને છુટાછેડા આપવાના મુદ્દે થયેલા ઝઘડા દરમિયાન
સુરત
પાલી ગામમાં રહેતા દંપતિ વચ્ચે ઝઘડો થતાં આરોપી પત્ની નીતુદેવીએ પતિ રાકેશ મહંતોને પછાડયો હતો ઃ સંતાનની જુબાની મહત્વની બની
સચીન
જીઆઈડીસી સ્થિત પાલીગામમાં બે વર્ષ પહેલાં દાંપત્ય જીવનની તકરાર દરમિયાન પતિની હત્યા
કરનાર આરોપી પત્નીને આજે ૬ઠ્ઠા એડીશ્નલ સેશન્સ જજે દોષી ઠેરવી આજીવન કેદ,રૃ.10 હજાર દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
મૂળ બિહારના મોતીહારી જિલ્લાના વતની 24 વર્ષીય ગોપાલ દશરથ મહંતો(રે.અપહમ કોમ્પ્લેક્ષ,પાલી ગામ સચીન જીઆઈડીસી)એ ગઈ તા.27-4-22ના રોજ પોતાના 32 વર્ષીય ભાઈ રાકેશ મહંતોની સાથે ઝઘડો થવા દરમિયાન પોતાના ભાઈને નીચે પછાડીને સાડી વડે ગળે ફાંસો આપીને હત્યા કરવા બદલ 26 વર્ષીય આરોપી ભાભી નીતુદેવી વિરુધ્ધ સચીન જીઆઈડીસી પોલીસમાં ઈપીકો-302ની ફરિયાદ નોધાવી હતી.જે મુજબ ફરિયાદીના મરનાર ભાઈ રાકેશ તથા ભાભી નીતુદેવીના લગ્ન જીવનથી એક પુત્રનો જન્મ થયો હતો.પરંતુ મજુરી કામ કરતા રાકેશ મહંતોને પહેલેથી જ પત્ની નીતુદેવી પસંદ નહોતી.જેથી વતનમાં રહેતા તેના બહેન બનેવીએ અન્ય યુવતી સાથે લગ્ન કરવાની વાતચીત ચલાવી હત.જેથી રાકેશ મહંતોએ પત્ની નીતુદેવી સાથે છુટાછેડા લેવાના મુદ્દે અવારનવાર ઝગડો થતો હતો.ગઈ તા.26-4-22ના રોજ આ જ મુદ્દે પતિ પત્ની વચ્ચે પુત્રની હાજરીમાં ઝગડો થયો હતો.જે દરમિયાન પત્ની નીતુદેવીએ તેના પતિ રાકેશ મહંતોને મોઢાના ભાગે પછાડીને સાડી વડે ગળું દબાવી હત્યા કરી હતી.
આ કેસમા આરોપી નીતુદેવી વિરુધ્ધનો કેસ આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન સરકારપક્ષે એપીપી વિશાલ ફળદુએ 33 સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. મુખ્યત્વે નજરે જોનાર બાળસાક્ષીએ ફરિયાદપક્ષને કેસને સમર્થનકારી જુબાની આપી હતી.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પતિની હત્યા કરનાર આરોપી પત્ની નીતુદેવીને દોષી ઠેરવી હતી.જેથી આરોપીના બચાવપક્ષે આરોપીની ઉંમર નાની હોય બાળકની જવાબદારી હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ સાબિત થયો હોઈ મહત્તમ સજા તથા દંડ ફટકારવા માંગ કરી હતી. આરોપીને સજામાં રહેમની માંગને નકારી કાઢી ે આજીવન કેદ,રૃ.10 હજાર દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.