સ્કૂલે જતી વિદ્યાર્થિનીને ખેતરમાં ખેંચી જઇ દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદ
ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાના અમલ શરૃ થયા પછી પ્રથમ સજા : બનાવના કારણે વિદ્યાર્થિનીનું ડોક્ટર બનવાનું સપનું અધુરૃં
સાવલી, ભારતીય ન્યાય ન્યાય સંહિતાના નવા કાયદાના અમલમાં આવ્યા પછી પોક્સોના કેસમાં પ્રથમ સજા થઇ છે. સાવલી કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા કરી છે. તેમજ આરોપીને એક લાખનો દંડ ફટકાર્યો છે.
સાવલી તાલુકાના એક ગામમાં રહેતી વિદ્યાર્થિની સ્કૂલમાં ચાલતી અભ્યાસ કરવા જતી હતી. તે દરમિયાન રસ્તામાં પોઇચા સૂર્યનગર કોલોની ખાતે રહેતો નિલેષ મનુભાઇ ઠાકોર બાઇક પર આવ્યો હતા. આરોપી અવાર - નવાર વિદ્યાર્થિનીને રસ્તામાં રોકીને પોતાની સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરી હેરાન કરતો હતો. ગત તા. ૨૩ મી ફેબુ્રઆરીએ વિદ્યાર્થિની સ્કૂલે જતી હતી. તે સમયે આરોપી નિલેશ મનુભાઇ ઠાકોર આવ્યો હતો. વિદ્યાર્થિની સાથે બળજબરી કરી હાથ ખેંચી નજીકના ખેતરમાં લઇ ગયો હતો. જ્યાં તેણે ૧૫ વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આરોપીએ ધમકી આપી હતી કે, કોઇને વાત કહીશ તો તારા પિતાને કે ઘરના અન્ય કોઇપણ વ્યક્તિને અકસ્માત કરી દઇશ. ત્યારબાદ પણ આરોપીએ અવાર - નવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
આ અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદાની કમલ હેઠળ ગુનો દાખલ થયો હતો. આ કેસ સાવલીની કોર્ટમાં ચાલી ગયો હતો. ભોગ બનનાર સગીરાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, મારે ભણીને ડોક્ટર બનવું હતું. પરંતુ, આ બનાવના કારણે મારો અભ્યાસ બંધ કરાવી દીધો હતો. મારૃં ડોક્ટર બનવાનું સપનુ પૂરૃં થઇ શક્યું નહતું. સરકારી વકીલ સી.જી. પટેલની રજૂઆતો અને પુરાવાઓ ધ્યાને લઇ પોક્સો કોર્ટના સ્પેશ્યલ જજ જે.એ.ઠક્કરે આરોપીને કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા કરી છે તેમજ એક લાખના દંડની સજા કરી છે. ઉલ્લેખનીય છે કે, નવા કાયદાના અમલ પછી સમગ્ર રાજ્યમાં આજીવન કેદની સજા સાવલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. સાથે વધુમાં, અદાલતે જિલ્લા લીગલ ઓથોરિટી ને પીડિતાને વિકટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ સાત લાખ રૃપિયા ની સહાય ચૂકવવા ભલામણ કરી છે. આરોપી દંડની જે રકમ ભરે અને કોર્ટમાં જમા કરાવે તે રકમ પણ પીડિતાને ચૂકવવા ઓર્ડર કરવામાં આવ્યો છે.