દમણ પાલિકાના માજી સભ્યની હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદ
Daman Municipality Member Murder Case : દમણ નગરપાલિકાના માજી સભ્યની આધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરવાના ગુનામાં દમણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આઠ પૈકી છ આરોપીને આજીવન કેદની સજા અને રૂ.૧૫ હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. જ્યારે વાપીના બિલ્ડર સહિત બેને નિર્દોષ જાહેર કર્યા છે.
કેસની વિગત એવી છે કે દમણના ખારીવાડમાં રોયલ સુઝીકી બાઇક શો રૂમમા ગત તા.૨.૩.૨૦ના રોજ સમી સાંજે શો રૂમ માલિક એવા પાલિકા સભ્ય સલીમ મેમણ પર બાઇક પર આવેલા શખ્સો આડેધડ ગોળીબાર કરી ભાગી ગયા હતા. સલીમના શરીરમા ચાર ગોળી ખૂપી જતા મોત થયું હતુ. પોલીસે સીસી ટીવી ફૂટેજ અને કડીના આધારે હત્યાની સોપારી આપનાર વાપીના બિલ્ડર ઉપેન્દ્ર રામજીભાઇ રાયની ધરપકડ કરાઇ હતી. બાદમાં પોલીસ શાર્પશૂટર અને ગુનામાં સંડોવાયા અન્ય સાત આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તમામ આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી.
હત્યા કેસની દમણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલે ૩૧ સાક્ષીઓની જુબાની સાથે પુરાવાના દલીલો કરી હતી. કોર્ટે દલીલોને ગ્રાહ્ય રાખી આઠ પૈકી છ આરોપી જાવેદ મતિઉલ્લા ખાન ઉર્ફે સુલતાન, સંતોષ શ્યામનારાયણ દુબે ઉર્ફે પંડિત, મેહુલ રાજનેત ઠાકુર, અબ્દુલ સજ્જાદ ખાન, જયરામ નામદેવ લોન્ડે અને આરોપી નશીરુદ્દીન ઉર્ફે નાસિર અન્ના શમીઉદ્દીન શેખને દોષી ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.૧૫-૧૫ હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. જ્યારે બે આરોપી ઉપેન્દ્ર રાય અને હનીફ રાજુભાઇ અજમેરીને શંકાનો લાભ આપી નિદોર્ષ જાહેર કરાયા છે.