ફૂટપાથ પર સૂતેલી બાળકીને ઉઠાવી જઇ દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદ
રાજકોટની પોક્સો કોર્ટના જજનો ચૂકાદો બાળકીને થયેલી ઇજાઓને કારણે 3 દિવસ ઓપરેશન કરવા પડયા હતા, બાળકીએ આરોપીને ઓળખી બતાવ્યો હતો
રાજકોટ, : રાજકોટમાં ફૂટપાથ પર સૂતેલી આઠ વર્ષની બાળકીને ઉઠાવી જઇ તેની ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપી હરદેવ મશરૂ માંગરોડીયાને પોક્સો કોર્ટના જજ જે.ડી. સુથારે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી છે.
આ કેસની વિગત એવી છે કે અમરેલી પંથકનું દંપતિ પાંચ સંતાનો સાથે રાજકોટમાં રહી મજૂરી કામ કરતું હતું. ભાવનગર રોડ પર મનપાના બગીચામાં આવેલી ખુલ્લી જગ્યામાં આ પરિવાર રહેતો હતો. ગઇ તા. ૨૯-૧૧-૨૦૧૯ના રોજ રાત્રે આ પરિવારના સભ્યો લાઇનબંધ સૂતા હતા ત્યારે પરિવારની સૌથી મોટી આઠ વર્ષની પુત્રીને આરોપી ગોદડી સમેત ઉઠાવી આજી ડેમ ચોકડી પાસે આવેલી અવાવરૂ જગ્યાએ ઉકરડા જેવા વિસ્તારમાં લઇ ગયો હતો. જ્યાં તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.
જેને કારણે બાળકીના ગુપ્તભાગો સખ્ત રીતે ચિરાઇ ગયા હતા. એટલું જ નહીં ખૂબ જ રક્તસ્ત્રાવ પણ થયો હતો. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી બાળકીને તે જ જગ્યાએ અને તે જ અવસ્થામાં મૂકી જતો રહ્યો હતો. ત્યારબાદ બાળકી સખ્ત પીડા સાથે ઉભી થઇ પોતાના પરિવાર પાસે જવા રવાના થઇ હતી. તે વખતે એક કારચાલકે તેને જોઇ લીધી હતી. બીજી તરફ બાળકીની માતાએ શોધખોળ શરૂ કરી હતી. જેને કારચાલકે તેની પુત્રી આજી ડેમ ચોકડી પાસે રડતી હોવાનું જણાવ્યું હતું. જેથી બાળકીની માતા ત્યાં પહોંચી હતી. પુત્રીની પૂછપરછ કરતાં તેણે આપવિતી જણાવી હતી. પરિણામે તેને સિવિલમાં દાખલ કરી હતી.
જ્યાં બાળકી ઉપર ત્રણ દિવસ સુધી એક પછી એક ઓપરેશન કરવા પડયા હતા. બાળકીની માતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લીધો હતો. આરોપીએ બનાવ વખતે જે કપડા પહેર્યા હતા તે ઉપરાંત બાળકીના કપડા કબ્જે કર્યા હતાં. બાળકીના દરેક કપડા અને ગોદડી ઉપર તેના અને આરોપીના લોહીના નિશાન વગેરે મળી આવ્યા હતાં.
પોલીસ તપાસ દરમિયાન કબ્જે કરવામાં આવેલા આ પૂરાવાઓને ધ્યાનમાં લઇ જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ એવી રજૂઆત કરી હતી કે તપાસ દરમિયાન કબ્જે કરવામાં આવેલો તમામ પ્રકારનો મુદ્દામાલ બનાવના બે જ દિવસની અંદર કબ્જે થયો છે. જેથી આ મુદ્દામાલમાં મળી આવેલ વીર્ય અને લોહી આરોપી વિરૂધ્ધનો સચોટ પૂરાવા ગણવાનો રહે છે. આ મુદ્દામાલ જે પંચનામાઓ હેઠળ કબ્જે થયેલ છે તેના પંચો પ્રોસીક્યુશનના કેસને સમર્થન ન આપે તો પણ આરોપીના જે કપડા કબ્જે થયા છે તે કપડા તેના ન હોવાનો બચાવ નથી ત્યારે ટેકનિકલ ક્ષતિઓનું કોઇ મહત્વ રહેતું નથી.
મોડીરાત્રિના આજી ડેમ ચોકડીથી બાળકી લોહીલુહાણ હાલતમાં ચાલીને આવતી હતી તે હકીકતનો કોઇ જ ઇન્કાર નથી ત્યારે બાળકીએ જુબાની દરમિયાન આરોપીને ઓળખી બતાવ્યો છે. આ તમામ પૂરાવાઓથી સાબિત થાય છે કે ભોગ બનનાર બાળકી સાથે આરોપીએ ઘાતક પ્રકારનું દુષ્કર્મ કર્યું છે.