મંદબુધ્ધિનાં બાળક પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય ગુજારનારને આજીવન કેદની સજા
રાજકોટમાં 2019ની સાલની ઘટનામાં સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો : ભોગ બનનાર બાળકની માતા સ્કૂલે ફરજ બજાવવા ગઈ હતી ત્યારે પાછળથી કચરા- પોતાં કરવા આવેલા આરોપીએ તેના પુત્રને શિકાર બનાવ્યો હતો
રાજકોટ, : ન્યુ 150 ફુટ રીંગ રોડ પરનાં એક એપાર્ટમેન્ટમાં રહેતા મંદબુધ્ધિનાં બાળક સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય ગુજારવાનાં ગુનામાં આરોપી વિજય શૈલેષ મકવાણા (રહે, કણકોટ પાટીયા પાસે)ને સ્પેશ્યલ પોકસો કોર્ટનાં જજ જે.ડી. સુથારે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી હતી.
આ કેસની વિગત એવી છે કે, જયાં ભોગ બનનાર બાળક રહેતો હતો, તે ફલેટમાં આરોપી કચરા પોતાનું કામ કરવા આવતો હતો. ભોગ બનનાર બાળકનાં માતા શિક્ષીકા છે. તેઓ સ્કુલે ગયા બાદ પાછળથી આરોપીએ તેના ફલેટમાં આવી તેના પુત્ર પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ગઈ તા. 22-6-2019નાં રોજ આ ઘટના બની હતી. જે અંગે રાજકોટ તાલુકા પોલીસમાં ભોગ બનનાર બાળકની માતાએ ફરીયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસનાં અંતે ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ કેસ ચાલવા પર આવતા પ્રોસીક્યુશન તરફથી ફરીયાદીની જુબાની લેવામાં આવી હતી. જેમાં તણે જણાવ્યું કે, તે સ્કુલે ફરજ બજાવવા ગયા બાદ પાછળથી ફલેટમાં તેનો બાર વર્ષનો પુત્ર એકલો હતો. તે વખતે આરોપી કચરા પોતા કરવા આવ્યો હતો અને તેના પુત્ર ઉપર સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય ગુજાર્યું હતું. તે સ્કુલેથી ઘરે આવ્યા ત્યારે પુત્રએ પોતાની ભાષામાં હકીકતો જણાવી હતી.
પ્રોસીક્યુસન તરફથી ભોગ બનનાર મંદબુધ્ધિનાં બાળકની એક સ્કુલનાં આચાર્યની હાજરીમાં જુબાની લેવામાં આવી હતી. જેમાં બાળકે પોતાની ભાષામાં બનાવની હકીકતો જણાવી આરોપીને કોર્ટમાં ઓળખી બતાવ્યો હતો.
આ ઉપરાંત તબીબ, તપાસ કરનાર પોલીસ અધિકારી વગેરેની જુબાનીઓ લેવામાં આવી હતી. પ્રોસીક્યુસન તરફથી ભોગ બનનાર બાળકનાં જન્મનો આધાર, મેડીકલ સર્ટીફીકેટ, એફએસએલનાં અહેવાલો સહિતનાં દસ્તાવેજી પુરાવાઓ પણ રજુ કરવામાં આવ્યા હતાં. બન્ને પક્ષોની દલીલો, રજુઆતો બાદ અદાલતે પુરાવા તપાસી આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી હતી. આ ઉપરાંત ભોગ બનનાર બાળકને રૂા. 2 લાખનું વળતર ચુકવવા કાનુની સેવા સત્તા મંડળને આદેશ આપ્યો હતો.