લીલીયાના ગુંદરણ ગામના બે ભાઈઓની હત્યામાં 9 આરોપીને આજીવન કેદ
2013 ની સાલમાં વિહિપ તથા ભાજપના અગ્રણી એવા બે ભાઇઓની હત્યા થઇ હતી : અગાઉ કરેલી ફરિયાદની અદાવત રાખી આરોપીઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો: ચાલુ કેસ દરમિયાન એક આરોપીનું મૃત્યુ થયું હતું
સાવરકુંડલા, : લીલીયા તાલુકાના ગુંદરણ ગામે નવેમ્બર 2013માં વિશ્વ હિંન્દુ પરિષદ અને ભાજપના આગેવાન એવા બે ભાઈઓની અગાઉ કરેલી ફરીયાદનો ખાર રાખી દસ જેટલા શખ્સોએ બંદૂક ,તલવાર, ધારિયા, કૂહાડી વગેરે જેવા ઘાતક હથિયારો સાથે હીચકારો હુમલો કરી ઘાતકી હત્યા નીપજાવ્યાનો કેસ સાવરકુંડલાના એડીશ્નલ સેશન્સ જજ ધર્મેન્દ્રભાઈ એસ. શ્રીવાસ્તવની અદાલતમાં ચાલી જતાં તમામ નવ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.ચાલુ કેસ દરમિયાન એક આરોપી ઇમરાન મામદ દલનું મૃત્યુ થયુ હતું.
આ કેસની હકીકત એવી છે કે લીલીયા તાલુકાના ગુંદરણ ગામમાં રહેતા તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અજીતભાઈ પવનભાઈ ખુમાણ તથા ભાજપના અગ્રણી એવા તેમના ભાઈ ભરતભાઈ ગુંદરણ ગામમાં તા.૩૦/ ૧૧/૨૦૧૩ ના રોજ સરકારી ગોડાઉન પાસે નવા ગોડાઉન નું બાંધકામ ચાલુ હતું ત્યાં હાજર હતા. તે દરમિયાન તમામ દસ આરોપીઓએ બંદુક, તલવાર, ધારીયા, કુહાડી વગેરે ઘાતક હથિયારો સાથે ઘસી આવી હુમલો કર્યો હતો. જેમાં બંને ભાઈઓના મોત નિપજતાં આ ઘટના ડબલ મર્ડરમાં પરિણમી હતી.
આ ઘટના અંગે દકુભાઈ ગીગાભાઈ જેબલીયા દ્વારા કુલ 10 આરોપીઓના નામ જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ સાવરકુંડલાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો અને બાકી રહેતો પુરાવો ત્યાં નોંધવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદી, નજરે જોનાર સાહેદ, પંચ સાહેદો, એફ.એસ.એલ. અધિકારી તથા પોલીસ અધિકારી પોલીસ ઓફિસરો ની જુબાનીઓ લેવામાં આવી હતી.
આ કેસમાં સરકારે નિયુકત કરેલા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર અનિલભાઈ દેસાઈએ અદાલતમાં એવી ધારદાર દલીલો કરી હતી કે ધોળા દિવસનો બનાવ છે, ફરિયાદી અને નજરે જોનાર સાહેદો બનાવને સમર્થન આપે છે, આરોપીઓ પાસેથી જે હથિયારો રિકવરી અને ડિસ્કવરી કરવામાં આવ્યા છે તેના મહત્વના પંચ સાહેદોએ પણ કેસને સમર્થન આપ્યું છે, એફએસએલ કચેરી ખાતે પૃથ્થકરણમાં ગયેલા મહત્વના મુદ્દામાલમાં પણ બનાવની હકિકતોને સમર્થન મળે છે, તમામ આરોપીઓનો સમાન ઈરાદો બંને ગુજરનારનું મૃત્યુ નિપજાવવાનો હતો તે પુરાવાથી સાબીત થાય છે. જેથી આરોપીઓને ખૂનના ગુનામાં તકસીરવાન ઠરાવવા રજૂઆત કરી હતી.
બંને પક્ષોની રજૂઆતો, દલીલો બાદ પુરાવા તપાસી અદાલતે આરોપીઓ મામદભાઈ નુરમામદભાઈ મામદભાઈ દલ,ખાલીદભાઈ મામદભાઈ દલ, સલીમભાઈ અબ્દુલભાઈ દલ, દિનમહંમદ ભીખુભાઈ દલ,યુનુસભાઇ મનુભાઈ લાખાપોટા, સોમાભાઈ અબ્દુલભાઈ દલ ,ઉસ્માનભાઈ નુર મામદભાઈ દલ, હકીમ ભાઇ નુરમામદભાઇ દલ, ઈસ્માઈલ ઉર્ફે મુનો યુનુસભાઈ લાખાપોટાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફરમાવી હતી. આ ઉપરાંત પ્રત્યેક આરોપીને રૂપિયા 20,000 નો દંડ ભરવા અને પ્રત્યેક મૃતકને રૂા. 50,000 નું વળતર આપવા હુકમ કર્યો હતો.