વડોદરાનો અગોરા મૉલ ફડચામાં, રૂ. 711 કરોડની વસૂલાત માટે LIC હાઉસિંગે શરૂ કરી હરાજી
Agora Mall Auction : વડોદરામાં બહુચર્ચિત અગોરા સિટી સેન્ટર મૉલનો પ્રોજેક્ટ ભારે નાણાકીય ભીડમાં મુકાઈ જતા તેની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ સ્થિત માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટા કંપની બાલાજી કન્સ્ટ્રક્શનના વડોદરાના આ સૌથી મોટા પૈકીના એક પ્રોજેક્ટને LIC હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા નાણા ધીરવામાં આવ્યા હતા. જેણે અગોરા સિટી સેન્ટર પ્રોજેક્ટ કે જે પોતાના નાણાં ચૂકવી શકવામાં અસમર્થ હોવાથી નાણાકીય દ્રષ્ટિએ જોખમી ગણાવ્યો છે. અગોરા મૉલ પર રૂ. 711 કરોડનું લેણું બાકી છે, જેથી બાકી નાણાની વસૂલાત માટે હરાજીની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
વડોદરામાં પૂર સમયે દબાણરૂપ અગોરાનું નામ મોખરે હતું
બાલાજી કન્સ્ટ્રકશને નવ વર્ષ અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સમા સંજય નગર સ્લમ પુનર્વસન યોજના લોક ભાગીદારીથી કરવા કામ હાથ પર લીધું હતું. જેમાં કોમર્શિયલ અને રહેણાક બાંધકામની કામગીરી શરૂ કરતાં જ તેના નામે છેલ્લા આઠ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. વિશ્વામિત્રી નદીના કિનારે પ્રોજેક્ટ કરનાર દ્વારા દબાણ કરાયાના આક્ષેપો સાથે વિવાદ થયો હતો. જેમાં તાજેતરમાં વડોદરામાં ત્રણ વખત પૂર આવતા નદી કાંઠા પરના દબાણો તોડવાની માગણી ઉઠી હતી. એ વખતે અગોરા મૉલનું નામ અગ્રસ્થાને હતું.
LICએ કબજો લઈને હરાજી શરૂ કરી
તારીખ 27 સપ્ટેમ્બરે અગોરાના નદીકાંઠા પર બનેલા ક્લબ હાઉસને તોડી પાડવામાં આવ્યું હતું. કોમર્શિયલ અને રહેણાક પ્રોજેક્ટ અગોરા-2નો LICએ કબજો લઈ લીધા પછી હરાજીની પ્રક્રિયા આરંભી છે. LIC હાઉસિંગ ફાઇનાન્સની નોટિસ દર્શાવે છે કે ઈ-ઓક્શન તારીખ 6 નવેમ્બરે સ્વીસ ચેલેન્જ મેથડ દ્વારા કરાયું હતું. સ્વીસ ચેલેન્જમાં ખાનગી લોકો હરાજીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે સરકાર તરફથી કોન્ટેક્ટ સ્વીકારે છે.
માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 711.20 કરોડનું લેણું
માનવ ઇન્ફ્રાનું 711.20 કરોડનું લેણું બાકી છે. જોકે LIC હાઉસિંગ દ્વારા ઈ-ઓક્શનની પ્રક્રિયા સફળ રહી છે કે કેમ તે અંગે કોઈ ફોડ પાડ્યો નથી. દરમિયાન માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વર્તુળોએ જણાવ્યું છે કે, ગ્રૂપને હજુ સુધી LICએ સાંભળ્યા નથી. માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વડાનું અગાઉ અવસાન થયા બાદ બધો બિઝનેસ તેમના પત્ની બિનિતા સંભાળે છે. માનવ ઇન્ફ્રાના વડા આશિષ શાહના અવસાન બાદ આર્થિક ભીંસ પડતા કંપનીએ લોન રી-સ્ટ્રક્ચરિંગ માટે પણ કહ્યું છે.
યુનિટ બુક કરાવનારાને મિલકત મળી જશે: બિનીતા શાહ
બિનીતા શાહનું કહેવું છે કે, 'અમારી મિલકતને ઈ-ઓક્શન માટે LIC હાઉસિંગ ફાઇનાન્સે મૂકી છે, તેની અમને ખબર છે. અમે LICને ઈમેલ પાઠવીને જે કંઈ અપડેટ હોય તેની વિગતો અપડેટ કરતા રહેવાનું કહ્યું છે, પણ તેઓ તરફથી કોઈ જાણકારી અપાઈ નથી. મારા પતિના અવસાન પછી બિઝનેસ અમે સાંભળ્યો છે, પરંતુ મને અને મારી પુત્રીને બિઝનેસ સમજવામાં વાર લાગે તે સ્વાભાવિક છે. આમ છતાં જે લોકોએ અમારામાં વિશ્વાસ મૂક્યો છે અને પ્રોજેક્ટમાં યુનિટ બુક કરાવ્યા છે, તેઓને પોતાની મિલકત જેમ બને એમ જલ્દી મળી જશે. આ અમારી પ્રાથમિકતા રહેશે.'