લ્યો બોલોઃ યશવંતરાય નાટયગૃહમાં ફાયર ટેસ્ટીંગ વખતે જ પાણી ન આવ્યું
- ફાયર સેફ્ટીનું એક માસનું કામ 3 મહિને પણ અધુરૂં, કલાકારોમાં નારાજગી
- ફાયર ઓફિસરની તપાસમાં અલગ-અલગ આઠ મુદ્દામાં ક્ષતિ જણાતાં ફાયર એનઓસી ન અપાયું : કામ પૂર્ણ થઈ ગયાનો એજન્સીનો દાવો
શહેરના મહિલા કૉલેજ સર્કલ સામે આવેલાં અને ન્યૂનતન દર સાથે કલાકારોની કલાને પોષતાં કલામંચ યથવંતરાય નાટયગૃહનું તાજેતરમાં જ રિનોવેશન કાર્ય પુર્ણ થયું હતું. પહેલાં કોરોના કાળ અને બાદમાં રિનોવેશનના નામે લાંબો સમય નાટયગૃહ બંધ રહેતાં કલાકારોને તેમની કલા પ્રસુતિ માટે અન્ય મોંઘા અને શહેરના છેવાડે આવેલાં વિવિધ કલમંચનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. જેના કારણે કલારસિકો અને કલા મર્મજ્ઞાોમાં ભારે ભારે નારાજગી જન્મી હતી. જો કે, રિનોવેશન બાદ નાટયગૃહ શરૂ થયા બાદ તેમાં ફાયર સેફ્ટી લગાવવાનું ભુલી જવાતાં અને ટૂંકાગાળામાં જ ફાયરના નવા નોમ્સ સાથે નાટયગૃહને નોટિસ મળતા તેને પુનઃ તાળા લાગી ગયા હતા. જો કે, બીજી તરફ ગત તા.૮ ઓગસ્ટ,૨૦૨૪ના રોજ યશવંતરાય નાટયગૃહમાં ફાયર સેફ્ટી કાર્યરત કરવા માટે રૂા.૯ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જ્યારે નવેમ્બર માસમાં આર. એન્ડ બી. વિભાગે અમરેલી એજન્સીને ં વર્કઓર્ડર આપી એક માસમાં ફાયર સેફ્ટી તથા ફાયર એનઓસી સહિતની કામગીરી કરવા જણાવ્યું હતું. જો કે, વર્ક ઓર્ડર આપ્યા બાદ તંત્ર હાથ પર હાથ ધરી બેસી ગયું હોય તેમ એક યા બીજા કારણોસર આ કામ ગત ડિસેમ્બર માસમાં શરૂ થયું હતું. જો કે, એક માસમાં પૂર્ણ કરવાનું કામ અંદાજે ત્રણ માસ વિતવા છતાં પણ અધુરૂં હોવાનું સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું.
જો કે, સતાવાર સાધનોના જણાવ્યાનુંસાર, નાટયગૃહમાં ફાયર સેફ્ટીનું કામ કરનાર એજન્સીએ કામગીરી પૂર્ણ થયાની જાહેરાત કરી છે. જેના પગલે ગત સપ્તાહે જ સ્થાનિક ફાયર ઓફિસરે સ્થળ મુલાકાત લીધી હતી. અને કામગીરીની સમીક્ષા કરી ટેસ્ટીંગ કર્યું હતું. જેમાં ડેમો વખતે જ પાણી ન આવતાં ખુદ અધિકારી ચોંકી ઉઠયા હતા. અને તમામ કામગીરીનું ઝીણવટભર્યું અવલોકન કર્યું હતું. જેમાં એક સમયે જ્યારે ફાયર ઓફિસર દ્વારા ટેસ્ટીંગ કરાયું હતું ત્યારે મોટર જુની હોય ટ્રીપ થવાથી લઈ સાઈન બોર્ડ, વાયરીંગ, જોકી પંપ, સહિતની બાબતોમાં અપૂતર્તા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેનો તાકિદે ઉકેલ લાવવા માટે એજન્સીને સૂચના આપી અધિકારીએ ફાયર એનઓસી આપવાનું ટાળ્યું હતું. આમ અધુરી કામગીરીના કારણે એનઓસી મળી શક્યું ન હતું અને યશવંતરાય નાટયગૃહ હજુ પણ બંધ જ રહ્યું છે.જયારે, આ તરફ, જવાબદાર આર.એન્ડ બી. વિભાગના ઈજનેરે એક વાતચીતમાં જણાવ્યું કે, બાકી રહેલી કામગીરી સંભવતઃ એક સપ્તાહમાં પૂર્ણ થઈ જશે. બાદમાં ફરી ટેસ્ટીંગ કરી એનઓસી મળી જતાં નાટયગૃહ કાર્યરત થઈ જશે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
હોલમાં છત પર ગાબડું, અકસ્માતની દહેશત
ફાયર એન.ઓ.સી.નું કામ હજુ પૂર્ણ નથી થયું ત્યાં અન્ય એજન્સીએ યશવંતરાય નાટયગૃહમાં ફ્લોરીંગ સિલિંગ સહિતના રિનોવેશનનું કામ પૂર્ણ કર્યા બાદ મુખ્ય હોલની છતમાં ગાબડું પડી જતાં કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. જો કે, આ કામ ગેરેન્ટી પીરીયડમા થયું હોવાથી તેનું તાકિદે સમારકામ થવું જરૂરી બન્યું છે. અન્યથા ચાલુ કાર્યક્રમે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. જો કે, મોટી દૂર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તે મુદ્દો પણ કલાજગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેથી ફાયર એન.ઓ.સી.ની સાથો સાથે કામનું પણ રીપેરીંગ ઝડપથી થાય તે ઈચ્છનિય છે.