જીવ સટોસટની બાજી ખેલી દીપડાને ભેંસે દબોચી રાખ્યો, વનવિભાગે પકડી લીધો
પ્રભાસપાટણ નજીક વાડી વિસ્તારમાં ભેસ અને ચાર મજુરોની શૌર્યગાથા : વિફરેલા દીપડાએ આક્રમક બનીને ચારેય મજૂરોને બચકાં ભરી લીધા, વનતંત્રે દીપડા પર ટ્રાન્કિલાઇઝર ગનનો ઉપયોગ કરી બેભાન કરી પકડી લીધો
પ્રભાસપાટણ, : પ્રભાસપાટણ નજીક વાડી વિસ્તારમા ભેસના શિકારની લાલચે આવેલા દીપડાને શિકાર સફળ કરવા માટે ભેસના સંઘર્ષ અને માનવસંઘર્ષનો સામનો કરવો પડયો હતો. આજે એ દીપડો શિકાર માટે ભેસ બાંધી હતી એ મકાનની ઓરડીમાં ઘુસતાજ ખેતરમાં કામ કરતા ચાર મજુરો દોડી ગયા હતા અને હાકલા પડકારા કરવા લાગ્યા હતા. આથી એણે ચારેય પર હુમલા કરી બચકા ભરીને ઘાયલ કરી દીધા હતા. આ ઘટના પછી શિકારની લાલચમાં ભેસ પાસે ફરી પાછા ગયેલા દીપડાએ શિકારનો પુન:પ્રયાસ કરતા ભેસે પણ જીવસટોસટની બાજી ખેલી પોતાની જાતને બચાવી લેવા દીપડાને દીવાલ સરખો રાખી ભીંસમાં રાખી દીધો હતો. આ દરમિયાન દોડી આવેલા વન વિભાગે પહોંચી જઈ દીપડાને ઈન્જેક્શન આપી પકડી લીધો છે.
જંગલ છોડીને દીપડાઓ ગીર સોમનાથના રેવન્યુ વિસ્તારમાં આવી પડયા છે. અગાઉ બે દીપડાને વનવિભાગે પકડયા પછી પણ દીપડાની રંજાડ આ વિસ્તારમાં યથાવત રહી છે. અહી વાડી વિસ્તારમાં આવી ચડેલા દીપડાએ ચાર મજુરો પર હુમલો કરી બચકાં ભરી લેતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે.
બનાવની વધુ વિગત મુજબ પ્રભાસપાટણના વાડી વિસ્તારમાં દીનેશ અરજણ વાજાના ખેતરમાં ચાર મજુરો કામ કરતા હતા. આ વખતે એક દીપડો આવી ચડયો હતો અને મકાનમાં ઘુસી ગયો હતો. જેના કારણે ભય ફેલાયો હતો. આ દીપડાને વાડીએથી દુર કરવા માટે ચારેય મજુરોએ હાકલા પડકારા કર્યા હતા. પણ ભેસના શિકારની લાલચે આવેલા દીપડાને શિકાર જતો કરવો પોષાય એમ ન હોવાથી એ ગિન્નાયો હતો.તેણે દેકારો કરતા ચારેય મજુરોને ઝપટે લઈ બચકાં ભરી લીધા હતા. આ ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે.ડી.પંપાણીયા અને સ્ટાફે ઘાયલ થયેલા કલ્પેશ ગીરધર સોલંકી, કાના ગોવિંદ સોલંકી, મનસુખ કાના ગઢિયા અને કીશોર કાના બામણીયાને હોસ્પિટલે સારવાર માટે ખસેડયા હતા. એ પછી વનવિભાગ ટ્રાન્ક્વિલાઇઝર ગન અને પશુ ડોકટર મુકેશ મોરી, કે.કે પંપાણીયા, અને જુદા જુદા ટ્રેકરોએ જઈ દીપડાને ભેસ બાજુમાં હતો એ સ્થળે ગનથી ઈન્જેક્શન છોડી બેભાન કરીને ઝબ્બે કરી લીધો હતો.