સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રોડ પર દીપડો દેખાયો, પર્યટકો અને સ્થાનિકોમાં ડરનો માહોલ
Narmada News: નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા આરોગ્ય વન નજીક દીપડો જોવા મળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. રાત્રિના સમયે દીપડાને રસ્તા પર જોવા મળ્યો હતો. જેને લઈને પર્યટકો અને સ્થાનિકોમાં ડરનો માહોલ છે. નોંધનીય છે કે, અગાઉ જંગલ સફારીમાં દીપડો ઘૂસી જતા વન્ય પ્રાણીઓના મોત થયા હતા.
દીપડાને પાંજરે પુરવા વન વિભાગની કવાયત
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા આરોગ્યવન નજીક છેલ્લા કેટલાક દિવસોથી દીપડો જોવા મળ્યો હોવાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ છે. તાજેતરમાં રાત્રિના સમયે સ્થાનિક લોકોએ દીપડાને રસ્તા પર ભટકતા જોયો હતો અને તેનો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોને લઈ પર્યટકો અને સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
આ પણ વાંચો: સાળંગપુરમાં ઉજવાયો ભવ્ય હનુમાન જન્મોત્સવ, દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન
વન વિભાગ દ્વારા આ ઘટનાની નોંધ લઈ લેવામાં આવી છે અને દીપડાના અસ્તિત્વની પુષ્ટિ માટે ટ્રેપ કેમેરા તેમજ પગના નિશાનના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ અને પર્યટકોના સુરક્ષા મુદ્દાને ધ્યાનમાં રાખી દીપડાને ઝડપથી પાંજરે પુરવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઊઠાવી છે.